BJPના નેતાના દીકરાના પાકિસ્તાની કન્યા સાથે ઑનલાઇન નિકાહ થયા
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના જૌનપુરમાં રહેતા ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા તહસીન શાહિદના મોટા પુત્ર મોહમ્મદ અબ્બાસ હૈદરના એન્ગેજમેન્ટ પાકિસ્તાનના લાહોરમાં રહેતી યુવતી અંદલીબ ઝહરાની સાથે નક્કી થયા હતા, પણ વીઝા ન મળવાને લીધે શુક્રવારે રાતે તેમણે ઑનલાઇન નિકાહ પઢી લીધા હતા. બેઉ દેશોના મૌલાનાઓએ આ ઑનલાઇન નિકાહ કરાવ્યા હતા.
આ અનોખી શાદીની ચર્ચા આખા ઉત્તર પ્રદેશમાં થઈ રહી છે. ૧૮ ઑક્ટોબરે નિકાહ નિર્ધારિત હતા, પણ આ તારીખ નજીક આવી ગઈ છતાં વીઝા ન મળ્યા. બીજી તરફ પાકિસ્તાનમાં દુલ્હનની માતા રાણા યાસ્મિન જૈદીની તબિયત લથડી હતી અને તેમને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યાં હતાં. આવા સમયે ઑનલાઇન નિકાહનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
શુક્રવારે સેંકડો બારાતીઓની હાજરીમાં દુલ્હો પરણવા નીકળ્યો હતો. ઘોડા પર ઘરેથી બારાત નીકળી હતી અને ઇમામવાડા કલ્લુ મરહમમાં ટીવી-સ્ક્રીન પર ઑનલાઇન નિકાહ સંપન્ન કરવામાં આવ્યા હતા. હવે દુલ્હાને તેની દુલ્હન વહેલી તકે તેના ઘરે આવે એનો ઇન્તેજાર છે.