નીતીશ કુમાર જેડીયુના અધ્યક્ષ બનતાં જ આ પાર્ટીએ આમ જણાવીને એનડીએમાં સામેલ થવાના સંકેત આપ્યા
નવી દિલ્હીમાં ગઈ કાલે જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની મીટિંગ દરમ્યાન લલન સિંહ અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર. પી.ટી.આઇ.
નવી દિલ્હીઃ જેડીયુમાં લોકસભાની ચૂંટણી પહેલાં મોટો ફેરફાર થયો છે. દિલ્હીમાં ગઈ કાલે જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણીની મીટિંગમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ લલન સિંહે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં સક્રિયતાને જોઈને તેમણે આ નિર્ણય કર્યો છે. લલને નીતીશ કુમારને જેડીયુના નવા અધ્યક્ષ બનાવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો.
લલન સિંહને હટાવવાની અટકળો છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી હતી. જેની સાથે એમ પણ કહેવામાં આવ્યું હતું કે નીતીશ કુમાર રાજ્યમાં મહાગઠબંધનથી અલગ થઈને પાછા એનડીએમાં સામેલ થઈ જશે. જેડીયુના લીડર કે. સી. ત્યાગીએ ગઈ કાલે સાંજે એક પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે બીજેપી અમારી દુશ્મન નથી. પૉલિટિક્સમાં કોઈ પણ દુશ્મન નથી હોતું.
લલન પર આરોપ મુકાતો રહ્યો છે કે તેઓ જેડીયુને બદલે આરજેડી માટે કામ કરી રહ્યા હતા. જેડીયુને તોડવા માટે પણ પ્લાનિંગ ચાલી રહ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે કહ્યું હતું કે નીતીશ કુમાર જ્યારે પણ કોઈ દરવાજો બંધ કરે છે ત્યારે બારી ખુલ્લી રાખે છે. એટલે કે તેઓ પોતાના માટે તમામ સંભાવનાઓ રાખે છે. બીજી તરફ કેન્દ્રમાં ફરી સત્તા હાંસલ કરવા માટે આતુર બીજેપી બિહારમાં લોકસભાની તમામ સીટ્સ જીતવા ઇચ્છે છે, જેમાં નીતીશ કુમાર તેમને મદદ કરી શકે છે.
ADVERTISEMENT
નીતીશ કુમારને પાછા આવકારવા એનડીએ શા માટે આતુર?
૧) બિહારમાં બીજેપી પાસે કોઈ પાવરફુલ લીડર નથી
બીજેપીની ખૂબ કોશિશ છતાં પણ બિહારમાં પાર્ટીનો કોઈ પાવરફુલ લીડર ઊભો કરી શકાયો નથી. બીજેપીના લીડર્સ માને છે કે બિહારમાં નીતીશનો સપોર્ટ જરૂરી છે. બીજેપી આ વખતે લોકસભાની ચૂંટણીમાં સેફ ગેમ રમવા ઇચ્છે છે. ૨૦૦૪માં શાઇનિંગ ઇન્ડિયા કૅમ્પેનના ઘોંઘાટમાં પાર્ટીએ ઓવરકૉન્ફિડન્સમાં સત્તા ગુમાવી હતી. બીજેપી જાણે છે કે જો ઉત્તર ભારતમાં મૅક્સિમમ સીટ્સ જીતી નહીં શકાય તો મુશ્કેલી સર્જાઈ શકે છે. ૨૦૧૯માં બિહારની સફળતામાં નીતીશે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બીજેપીના આંતરિક સર્વેમાં પણ લોકસભાની ચૂંટણીમાં આ રાજ્યમાં સ્થિતિ તરફેણમાં હોવાનું જોવા મળતું નથી.
૨) બિહારમાં કાસ્ટ પૉલિટિક્સની ગણતરીમાં બીજેપી માટે નીતીશ જરૂરી
આમ તો સમગ્ર દેશના પૉલિટિક્સમાં જાતિ સૌથી મહત્ત્વની ભૂમિકા છે. જોકે બિહારના રાજકારણમાં એની અસર સૌથી વધુ છે. લાલુ પ્રસાદની પાર્ટી આરજેડી, નીતીશ કુમારની પાર્ટી જેડીયુની પોતાની જાતિ આધારિત વોટબૅન્ક છે.
૩) ક્લીન ઇમેજ
લાલુ પ્રસાદ સહિતના બિહારના લીડર્સની સરખામણીમાં નીતીશની ઇમેજ ક્લીન છે. તેમના પર વ્યક્તિગત રીતે ભ્રષ્ટાચારનો કોઈ કેસ નથી. તેમના પર પરિવાર માટે રાજકારણ કરવાનો પણ આરોપ નથી.

