નરેન્દ્ર મોદીએ ફોન કરીને ઘાયલ સંસદસભ્યોના ખબરઅંતર પૂછ્યા : ડૉ. બાબાસાહેબ આંબેડકરના મુદ્દે ગુરુવારે સંસદની બહાર ધમાલ
ગઈ કાલે પાર્લમેન્ટ કૉમ્પ્લેક્સમાં પડીને ઘવાયેલા પ્રતાપ સારંગીને જોવા આવેલા રાહુલ ગાંધી અને પ્રતાપ સારંગી ત્યાર બાદ હૉસ્પિટલમાં
સંસદમાં મંગળવારે અમિત શાહે ડૉ. બાબાસાહેબ આંબેડકર પર કરેલી ટિપ્પણીને લીધે ગઈ કાલે ત્રીજા દિવસે સંસદની બહાર હંગામો મચ્યો હતો. વિપક્ષના સભ્યોએ રાહુલ ગાંધીની આગેવાનીમાં વિરોધ-પ્રદર્શન કર્યું હતું એ વખતે ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય પ્રતાપ સારંગીએ કહ્યું કે રાહુલ ગાંધીએ એક સંસદસભ્યને ધક્કો માર્યો અને વાત વણસી ગઈ એ પછી થયેલી ધમાચકડીમાં હું પડી ગયો અને મારા માથામાં પણ ઈજા થઈ હતી.
પ્રતાપ સારંગીએ કહ્યું કે ‘રાહુલ ગાંધીએ એક સભ્યને ધક્કો માર્યો હતો અને તે મારી સાથે અથડાયો એટલે હું નીચે પડી ગયો અને મને માથામાં વાગ્યું હતું. મારા માથામાંથી લોહી પણ વહ્યું હતું. રાહુલ ગાંધીએ ધક્કો મારવાની શરૂઆત કરી હતી.’
ADVERTISEMENT
પ્રતાપ સારંગીના એ આક્ષેપને ફગાવતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘કદાચ એ કૅમેરામાં રેકૉર્ડ પણ થયું હશે. BJPના સંસદસભ્યો અમને પાર્લમેન્ટમાં જતા રોકી રહ્યા હતા. તેમણે અમારો રસ્તો રોક્યો હતો અને અમને ધમકી પણ આપી હતી. વિરોધ કરવાનો અમારો અધિકાર છે.’
ડૉ. બાબાસાહેબ આંબેડકર પર અમિત શાહે કરેલી ટિપ્પણી બાદ વિપક્ષ તેમના રાજીનામાની માગણી કરી રહ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાર બાદ એ ધમાચકડીમાં ઘાયલ થયેલા પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂતને ફોન કરીને તેમની તબિયતની પૃચ્છા કરી હતી અને તેમને ધરપત આપી હતી કે અમે તમારી સાથે જ છીએ.
રાહુલ ગાંધી સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવવા પોલીસ પાસે પહોંચ્યા BJPવાળા : સંસદસભ્યો બાંસુરી સ્વરાજ અને અનુરાગ સિંહ ઠાકુર પાર્ટીના અન્ય સભ્યો સાથે ગઈ કાલે પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ-સ્ટેશનમાં
એ પછી BJPના ભૂતપૂર્વ સંસદસભ્ય અનુરાગ ઠાકુરે અન્ય સંસદસભ્યો બાંસુરી સ્વરાજ અને હેમાંગ જોશી સાથે મળીને સંસદ માર્ગ પોલીસ-સ્ટેશનમાં રાહુલ ગાંધી સામે ધક્કો મારીને ઈજા પહોંચાડી હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.
સંસદ માર્ગ પોલીસ-સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો ગુનાહિત ઇરાદો ધરાવવો, બેદરકારી દાખવી અન્યને ઈજા પહોંચાડવી, જાણીજોઈને ઈજા પહોંચાડવી વગેરે હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
નાગાલૅન્ડનાં રાજ્યસભાનાં મહિલા સભ્યએ રાહુલ ગાંધી સામે ગેરવર્તનની ફરિયાદ કરી
ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકર પર કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે કરેલી ટિપ્પણીનો વિવાદ ગઈ કાલે વધુ વકર્યો હતો અને સંસદની બહાર સત્તાધારી અને વિપક્ષના સભ્યો વચ્ચે ઘમસાણ જોવા મળ્યું હતું. એ વખતે થયેલી ધમાચકડીને લઈને નાગાલૅન્ડનાં ભારતીય જનતા પાર્ટીનાં રાજ્યસભાનાં મહિલા સભ્યએ રાજ્યસભાના ચૅરમૅનને રાહુલ ગાંધી સામે ફરિયાદ કરી હતી. નાગાલૅન્ડનાં ફૅન્ગનૉન કોન્યકે તેમની ફરિયાદમાં કહ્યું હતું કે ‘રાહુલ ગાંધીની વર્તણૂકને કારણે મારી ડિગ્નિટી અને આત્મસન્માનને નુકસાન પહોંચ્યું છે. રાહુલ ગાંધી તેમની પાર્ટીના અન્ય સભ્યો સાથે હતા અને તેમણે મિસબિહેવ કર્યું હતું. તેમણે મારી સાથે બરાડીને વાત કરી હતી અને મારી એટલી નજીક આવી ગયા હતા કે એક મહિલા હોવાના નાતે મને ક્ષોભ ઉત્પન્ન થાય. એથી આવું બીજો કોઈ સંસદસભ્ય ન કરે એમ વિચારીને હું ભારે મનથી ત્યાંથી ખસી ગઈ હતી.’