દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીના BJPના ઉમેદવાર રમેશ બિધુડીની જીભ લપસી ગઈ
પ્રિયંકા ગાંધી
દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકીય નિવેદનોને કારણે ગઈ કાલે BJP અને કૉન્ગ્રેસ વચ્ચે વિવાદ જોવા મળ્યો હતો. કાલકાજી બેઠક પરના BJPના ઉમેદવાર રમેશ બિધુડીએ કહ્યું હતું કે અમે સત્તામાં આવીશું પછી પ્રિયંકા ગાંધીના ગાલ જેવા રસ્તા બનાવી દઈશું.
એક કાર્યક્રમમાં રમેશ બિધુડીએ કહ્યું હતું કે ‘લાલુ યાદવ જુઠ્ઠું બોલતા હતા કે તેઓ બિહારના રસ્તા હેમા માલિનીના ગાલ જેવા બનાવી દેશે. તેઓ આમ કરી શક્યા નહીં, પણ હું વિશ્વાસ અપાવું છું કે કાલકાજીના તમામ રસ્તાઓને પ્રિયંકા ગાંધીના ગાલ જેવા બનાવી દઈશું.’
ADVERTISEMENT
આ મુદ્દે કૉન્ગ્રેસનાં પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે આ નિવેદનને મહિલાવિરોધી ગણાવીને કહ્યું હતું કે ‘પ્રિયંકા ગાંધી વિશે રમેશ બિધુડીએ આપેલું નિવેદન શરમજનક છે એટલું જ નહીં, મહિલાઓ વિશે કુત્સિત માનસિકતા દર્શાવે છે. આ BJPનો અસલી ચહેરો છે અને શું આ વિચાર માટે BJPની મહિલા સાંસદો, વિકાસપ્રધાન અને પાર્ટી અધ્યક્ષ નડ્ડા કંઈ કહેશે ખરા? હકીકતમાં આ મહિલાવિરોધી ભાષા અને વિચારના જનક ખુદ મોદીજી છે. જેઓ મંગલસૂત્ર અને મુજરા જેવા શબ્દો બોલે છે. આવા ગંદા વિચાર માટે તેમણે માફી માગવી જોઈએ.’
કાલકાજીમાં ત્રિપાંખિયો જંગ
કાલકાજીમાં દિલ્હીનાં મુખ્ય પ્રધાન આતિશી સિંહ ઉમેદવાર છે, તેમની સામે BJPના રમેશ બિધુડી અને કૉન્ગ્રેસનાં અલ્કા લાંબા છે. આમ આ બેઠક પરનો મુકાબલો ખરાખરીનો થવાનો છે.
પહેલાં બચાવ કર્યો, પછી શબ્દો પાછા ખેંચ્યા
આ વિવાદ બાદ રમેશ બિધુડીએ પહેલાં તો પોતાના નિવેદન બદલ માફી માગવા કે બચાવ કરવાને બદલે એની સરખામણી લાલુ પ્રસાદ યાદવે આપેલા નિવેદન સાથે કરી હતી. તેમણે કહ્યું કે ‘જો કૉન્ગ્રેસને આજે આ નિવેદન પર પીડા થઈ છે તો હેમા માલિનીજી વિશે વિચાર કરો. તેઓ જાણીતાં ઍક્ટ્રેસ છે અને ભારતીય સિનેમાને તેમણે ગૌરવ અપાવ્યું છે. જો લાલુ યાદવનું નિવેદન ખોટું હતું તો તેમણે પણ માફી માગવી જોઈતી હતી. શું હેમા માલિની મહિલા નહોતાં? હેમા માલિની પ્રિયંકા ગાંધી કરતાં વધારે સુપિરિયર છે, તેમણે મહેનત કરીને જીવનમાં સફળતા મેળવી છે.’
જોેકે ત્યાર બાદ વિવાદ થતાં રમેશ બિધુડીએ કહ્યું હતું કે ‘મારા શબ્દોથી કોઈને દુઃખ થયું હોય તો હું એ પાછા ખેંચું છું’