નવી સંસદસભ્યએ ખેડૂતોના આંદોલન મુદ્દે વિવાદાસ્પદ નિવેદન કર્યું એ પછી પાર્ટીએ તેને કહેવું પડ્યું કે ભવિષ્યમાં નીતિગત વિષયો પર મોઢું ખોલવું નહીં
કંગના રનૌત
ખેડૂતોના આંદોલન મુદ્દે વિવાદિત નિવેદન આપ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ની સંસદસભ્ય કંગના રનૌતને પાર્ટી દ્વારા સ્પષ્ટ જણાવી દેવામાં આયું છે કે તેણે પાર્ટીના નીતિગત નિર્ણયો પર ભવિષ્યમાં કોઈ પણ નિવેદન આપવાની જરૂર નથી.
કંગના રનૌતે એક મુલાકાતમાં કહ્યું હતું કે અમારી પાર્ટીના ટોચના નેતાઓનું નેતૃત્વ મજબૂત ન હોત તો ખેડૂતના આંદોલન વખતે પંજાબ પણ બંગલાદેશ બની ગયું હોત.
ADVERTISEMENT
આ મુદ્દે વિપક્ષોએ સરકાર પર હુમલો કર્યો હતો અને કહ્યું હતું કે આ મુદ્દે સરકારે નૅશનલ સિક્યૉરિટી ઍક્ટ (NSA) હેઠળ કાર્યવાહી કરવી જોઈએ.
આ મુદ્દે BJPએ કહ્યું હતું કે આવું નિવેદન કંગનાનું પોતાનું છે અને પાર્ટીને એની સાથે લેવા-દેવા નથી. પાર્ટીના કેન્દ્રીય મીડિયા વિભાગે એક નિવેદન જાહેર કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે ‘BJP સંસદસભ્ય કંગના રનૌત દ્વારા ખેડૂત-આંદોલનના મુદ્દે આપવામાં આવેલું નિવેદન પાર્ટીનો મત નથી. BJP કંગના રનૌતના આ નિવેદન વિશે અસહમતી વ્યક્ત કરે છે. પાર્ટી વતી પાર્ટીના નીતિગત વિષયો પર બોલવા માટે કંગના રનૌતને કોઈ પરવાનગી નથી અથવા તેઓ પાર્ટી વતી કોઈ નિવેદન આપવા અધિકૃત નથી. પાર્ટી દ્વારા કંગના રનૌતને નિર્દેશિત કરવામાં આવ્યું છે કે આ પ્રકારનાં નિવેદન તેઓ ભવિષ્યમાં આપે નહીં.’
કંગનાને મળી ધમકી : સર કટા સકતે હૈં તો સર કાટ ભી સકતે હૈં
કંગના રનૌતની ફિલ્મ ‘ઇમર્જન્સી’ રિલીઝ થવાની છે અને તે એના પ્રમોશનમાં વ્યસ્ત છે એવા સમયે મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશમાં તેને નુકસાન પહોંચાડવાની ધમકી આપનારા લોકો સામે કાર્યવાહી કરવાની તેણે માગણી કરી છે. આ ફિલ્મમાં તે ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી રહી છે. ૬ સપ્ટેમ્બરે આ ફિલ્મ રિલીઝ થશે.
સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા એક વિડિયોમાં પંજાબ સાથે સંબંધ ધરાવતા વિકી થોમસ સિંહે કંગનાને ગંભીર પરિણામની ધમકી આપી છે. આ વિડિયોમાં તેને એવું કહેતો સાંભળવામાં આવે છે કે ‘ઇતિહાસ બદલી શકાતો નથી. ફિલ્મમાં જો તે સિખોને આતંકવાદી તરીકે રજૂ કરશે તો તે યાદ રાખે કે તે કોના પર ફિલ્મ કરી રહી છે. યાદ રાખે કે સતવંત સિંહ અને બિયંત સિંહ કોણ હતા. જે અમને આંગળી કરે છે તેને અમે ચટકા ભરીએ છીએ. જો અમે સર કટાવી શકીએ છીએ તો સર કાટ ભી સકતે હૈં.’
આ વિડિયોમાં એક માણસ એમ પણ કહી રહ્યો છે કે આપ યે પિક્ચર રિલીઝ કરતે હો તો સરદારોં ને આપકો ચપ્પલ મારની હૈ, લાફા તો આપને ખા લિયા.
શિરોમણિ ગુરુદ્વારા પ્રબંધક કમિટી (SGPC)ના અધ્યક્ષ હરજિન્દર સિંહ ધામીએ આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માગણી કરી છે, એમાં સિખોના ચરિત્રને ખોટી રીતે રજૂ કરવાનો આરોપ મુકાયો છે.