૧૦ લાખ લોકો પ્રભાવિત, નદીઓ પરના ૭ કાચા બંધ તૂટી ગયા, કેન્દ્ર સરકાર પાસે માગી મદદ
બિહારના સુપૌલ જિલ્લામાં ગઈ કાલે પૂરગ્રસ્ત વિસ્તારમાં બચાવકાર્ય કરતા નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સના જવાનો.
નેપાલમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂર આવતાં એ નદીઓનું પાણી હવે બિહારમાં પહોંચ્યું છે અને આ પૂરનાં પાણીએ બિહારમાં તબાહી મચાવવાની શરૂઆત કરી દીધી છે. કોસી, બાગમતી અને ગંડક નદી પરના સાત કાચા બંધો તૂટી જતાં અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ છે. આશરે દસ લાખ લોકો એનાથી પ્રભાવિત થયા છે. બિહાર સરકારે બચાવકાર્ય માટે તથા નદીઓ પર વધુ મજબૂત બંધ બાંધવા માટે કેન્દ્ર સરકાર પાસે મદદ માગી છે.
આ મુદ્દે રાજ્યના જળ સંસાધન પ્રધાન વિજય કુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે ‘છેલ્લાં પચાસ વર્ષમાં પહેલી વાર બિહારની નદીઓમાં આટલું બધું પાણી નેપાલથી આવ્યું છે. ગંડક નદીમાં ૨૧ વર્ષ અને કોસી નદીમાં ૫૬ વર્ષ બાદ પૂરની આવી પરિસ્થિતિ જોવા મળી છે. ૧૦૬ એન્જિનિયરોની ટીમ મેદાનમાં ઊતરી છે. નદીઓમાં પાણી સાથે આવેલા કાદવથી પરિસ્થિતિ વધારે ગંભીર બની છે. બિહારના ઉત્તર ભાગમાં આશરે દસ લાખ લોકો એનાથી પ્રભાવિત છે. વેસ્ટ ચંપારણ, સીતામઢી, દરભંગા અને શિહોર જિલ્લામાં નદીઓમાં પૂરની પરિસ્થિતિ બદતર છે.’
ADVERTISEMENT
નેપાલમાં ૬૦ કલાક વરસાદ
નેપાલમાં બે દિવસ પહેલાં ૬૦ કલાક સુધી પડેલા વરસાદને કારણે બસોથી વધારે લોકોનાં મૃત્યુ થયાં છે અને હવે આટલું પાણી બિહારની નદીઓમાં આવ્યું છે. હાઇએસ્ટ વૉટર-લેવલના રેકૉર્ડ તૂટી ગયા છે. બીરપુર બૅરેજમાં કોસી નદીનું પાણી ઉપરથી વહેલા લાગ્યું છે.