બિહારના બેતિયામાં ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઑફિસરના ઘરેથી મળ્યો આ દલ્લો : પાંચ જિલ્લામાં ફ્લૅટ, જમીન અને ૩ કાર પણ છે તેની પાસે
બે કરોડ કૅશ, ૧.૩ કિલો સોનું અને ૨૭ કિલો ચાંદી
બિહારમાં બેતિયા જિલ્લાના ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઑફિસર (DEO) રજનીકાન્ત પ્રવીણનાં પાંચ સ્થાનો પર સ્પેશ્યલ વિજિલન્સ યુનિટ (SVU)ના ૪૦ સભ્યોએ એકસાથે પાડેલી રેઇડમાં બે કરોડ રૂપિયા રોકડા, ૨૭ કિલોગ્રામ ચાંદી અને ૧.૩૦ કિલોગ્રામ સોનું અને જ્વેલરી મળી આવ્યાં છે. સાથે પાંચ જિલ્લામાં ફ્લૅટ, જમીન અને પ્રૉપર્ટીના ઘણા દસ્તાવેજ મળ્યા છે. આવક કરતાં વધારે સંપત્તિના કેસમાં શિક્ષણ વિભાગે રજનીકાન્તને સસ્પેન્ડ કરી દીધો છે.
રજનીકાન્ત ત્રણ વર્ષથી બેતિયામાં પોસ્ટેડ છે અને ૨૦ વર્ષની નોકરીમાં તે બગહા, મધુબની અને દરભંગામાં પોસ્ટેડ રહ્યો હતો. તેના કાર્યકાળમાં શિક્ષકોની ટ્રાન્સફર પોસ્ટિંગમાં મોટા પાયે ભ્રષ્ટાચારની ફરિયાદ ઊઠી હતી.
ADVERTISEMENT
વિજિલન્સ અધિકારીઓએ જ્યારે દરોડાની કાર્યવાહી વખતે પૂછ્યું હતું કે કૅશ ક્યાં છે તો તેણે બેડ તરફ ઇશારો કર્યો હતો. એમાંથી કૅશ અને ઘરેણાં નીકળ્યાં હતાં. વધારે પ્રમાણમાં કૅશ મળતાં એ ગણવા માટે મશીન મગાવવાં પડ્યાં હતાં.
રજનીકાન્ત પોતાને જ્યોતિષી તરીકે પણ ઓળખાવતો હતા. તેણે બેગુસરાયમાં ૬ પાર્ટનર સાથે સુક્કુ નામથી સ્વીટની શૉપ ખોલી હતી. એ દુકાન જ્યાં હતી એના પહેલા માળે જ્યોતિષ-કેન્દ્ર પણ ખોલ્યું હતું.
રજનીકાન્ત નાલંદાનો રહીશ છે. તેની પત્ની સુષમા શર્મા બગહા, સમસ્તીપુર અને દરભંગામાં ત્રણ સ્કૂલનું સંચાલન કરે છે. સાળી પૂનમ શર્મા સમસ્તીપુરમાં ટીચર છે. પિતા રાધિકા રમણ શિક્ષકપદેથી રિટાયર થયા છે અને ભાઈ પણ સરકારી પદે છે.
રજનીકાન્ત પાસેથી ત્રણ કાર મળી છે. તેના ઘરમાંથી દસ મોંઘી ઘડિયાળ મળી છે. તે શર્ટના રંગ સાથે ઘડિયાળ મૅચ કરીને પહેરતો હતો. તેના શર્ટની કિંમત પણ દસ હજાર રૂપિયાની આસપાસ રહેતી હતી. તે દસ આંગળીમાં સોનાની વીંટી પહેરતો હતો. ગળામાં વીસ તોલાની ચેન અને હાથમાં બ્રેસલેટ પણ પહેરતો હતો.