બિહારમાં કારચાલકે વૃદ્ધને આઠ કિલોમીટર સુધી ઘસડ્યો, એ પછી કચડીને મારી નાખ્યો
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
પટના : ટક્કર મારીને ઘસડવાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે આ વખતે બિહારમાંથી. એક કારે એક વૃદ્ધ વ્યક્તિને ટક્કર મારી, આ વૃદ્ધ આ કારના બોનેટ પર ફસાઈ ગયા બાદ તેમને આઠ કિલોમીટર સુધી ઘસડવામાં આવ્યા હતા. ત્યાર બાદ બ્રેક મારતાં વૃદ્ધ રસ્તા પર પડી ગયા તો તેમને કચડીને કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના નૅશનલ હાઇવે ૨૭ પર આ ઘટના બની હતી. આ જિલ્લાના કોટવા પોલીસ સ્ટેશન હેઠળના એરિયામાં બંગરા ગામના ૭૦ વર્ષના શંકર ચૌધરીનું આ ઘટનામાં મૃત્યુ થયું હતું. શંકર ચૌધરી સાઇકલ પર બંગરા ચોક પાસે નૅશનલ હાઇવે ૨૭ને ક્રૉસ કરી રહ્યા હતા ત્યારે ગોપાલગંજ ટાઉનથી ખૂબ જ સ્પીડમાં આવી રહેલી કારે તેમને ટક્કર મારી હતી. આ ટક્કર બાદ ચૌધરી કારના બોનેટ પર ઊછળીને પડ્યા હતા. તેમણે કારના વાઇપરને પકડી રાખ્યું હતું. તેઓ ચિલાઈને કારને રોકવા માટે કરગરતા રહ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચો : Delhi: બિહારમાં ગેરકાયદેસર દારૂ પીવડાવીને 80 લોકોના જીવ લેનાર રામ બાબૂની ધરપકડ
આ ઘટનાના સાક્ષીઓએ જણાવ્યું હતું કે તેઓ પણ ડ્રાઇવરને ચિલાઈને કાર રોકવા માટે કહેતા રહ્યા હતા અને કારનો પીછો પણ કર્યો હતો. જોકે તે વ્યક્તિ એ જ રીતે ખૂબ જ સ્પીડથી કાર ચલાવતો રહ્યો હતો. લોકો પીછો કરી રહ્યા હોવાનો ખ્યાલ આવતાં આ ડ્રાઇવરે કોટવામાં કદમ ચોક પાસે કારને બ્રેક મારી હતી. અચાનક કાર ઊભી રહેતાં શંકર આગળની બાજુ પડી ગયા હતા અને કાર-ડ્રાઇવર કારને તેમની ઉપરથી ચલાવીને ત્યાંથી ભાગી ગયો હતો. આ વૃદ્ધનું ત્યાં જ મૃત્યુ થયું હતું.
કોટવા પોલીસ સ્ટેશનના ચીફ અનુજ કુમારે કહ્યું હતું કે ‘આ ઘટના વિશે માહિતી મળ્યા બાદ નૅશનલ હાઇવે ૨૭ પરનાં તમામ પોલીસ સ્ટેશનોને અલર્ટ કરવામાં આવ્યાં હતાં. પોલીસે આ કારને જપ્ત કરી હતી, પરંતુ કારચાલક અને એમાં બેસેલા તમામ લોકો ભાગી ગયા હતા.