બિહારમાં ચાર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા-ચૂંટણીમાં કૉન્ગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના મહાગઠબંધનનો સફાયો થયો હતો અને ચારેય બેઠક પર નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ના ઉમેદવારો જીતી ગયા છે.
પ્રતીકાત્મક તસવીર
બિહારમાં ચાર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટા-ચૂંટણીમાં કૉન્ગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના મહાગઠબંધનનો સફાયો થયો હતો અને ચારેય બેઠક પર નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ (NDA)ના ઉમેદવારો જીતી ગયા છે. મતગણતરી પૂર્ણ થયા બાદ ચૂંટણી-અધિકારીઓએ રામગઢ, તરારી, ઇમામગંજ અને બેલાગંજમાં NDAના ઉમેદવારોને વિજય ઘોષિત કર્યા હતા.
બેલાગંજમાં JDUનાં મનોરમા દેવી જીત્યાં
ADVERTISEMENT
બેલાગંજમાં જનતા દળ યુનાઇટેડ (JDU)નાં ઉમેદવાર મનોરમા દેવીએ RJDના વિશ્વનાથ કુમાર સિંહ સામે નિર્ણાયક ૨૧,૩૯૧ મતથી વિજય મેળવ્યો હતો. આ બેઠક પર છેલ્લા ત્રણ દાયકાથી RJDનું વર્ચસ હતું.
તરારીમાં BJPએ પહેલી વાર વિજય મેળવ્યો
તરારી વિધાનસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP)એ પહેલી વાર વિજય મેળવ્યો હતો. સ્થાનિક શક્તિશાળી નેતા સુનીલ પાંડેના પુત્ર વિશાલ પ્રશાંતે કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્ક્સ-લેનિન) (CPI-ML)ના ઉમેદવાર રાજુ યાદવને ૧૦,૬૧૨ મતથી પરાજિત કર્યા હતા.
ઇમામગંજમાં જિતન માંઝીનાં પુત્રવધૂ જીત્યાં
ઇમામગંજ વિધાનસભા બેઠક પર કેન્દ્રીય પ્રધાન જિતન રામ માંઝીનાં પુત્રવધૂ દીપા માંઝીએ પરિવારની પરંપરા જાળવી રાખીને જીત મેળવી હતી. તેમણે RJDના રોશન માંઝીને ૫૯૪૫ મતથી પરાજિત કર્યાં હતાં. જન સુરાજ પાર્ટીના ઉમેદવાર જિતેન્દ્ર પાસવાન ૩૭,૧૦૩ મત સાથે મતગણતરીમાં ત્રીજા સ્થાને રહ્યા હતા.
રામગઢમાં BJPએ વિજય મેળવ્યો
રામગઢ વિધાનસભા બેઠક પર રસાકસીભર્યા મુકાબલામાં BJPના ઉમેદવાર અશોક સિંહે માત્ર ૧૩૬૨ મતે વિજય મેળવ્યો હતો. તેમણે બહુજન સમાજ પાર્ટી (BSP)ના ઉમેદવાર સતીષ ઉર્ફે પિન્ટુ યાદવને હરાવ્યા હતા. આ ચૂંટણી એટલા માટે પણ મહત્ત્વની હતી કારણ કે RJDના ઉમેદવાર અજિત સિંહ ત્રીજા સ્થાને ફેંકાઈ ગયા હતા. તેઓ RJDના સ્ટેટ પ્રેસિડન્ટ જગનાનંદ સિંહના પુત્ર અને સંસદસભ્ય સુધાકર સિંહના ભાઈ છે. પરાજિત થઈ રહ્યા હોવાની જાણ થતાં તેઓ નિરાશા સાથે મતગણતરી કેન્દ્ર છોડીને જતા રહ્યા હતા.