Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભારતમાતા : જવાહરલાલ નેહરુથી રાહુલ ગાંધી!

ભારતમાતા : જવાહરલાલ નેહરુથી રાહુલ ગાંધી!

22 November, 2023 09:25 AM IST | New Delhi
Dr. Vishnu Pandya | feedbackgmd@mid-day.com

સામાન્ય નાગરિક તો એમ જ સમજે કે રાહુલ ‘ભારતમાતા કી જય’ નારાને નાપસંદ કરીને તીર છોડે છે કે ભારતમાતા હૈ ક્યા? એટલે ટિકનું નિશાન નારાને બદલે ભારતમાતા તરફનું બની ગયું!

જવાહરલાલ નેહરુ

મારી નજરે

જવાહરલાલ નેહરુ


રાજસ્થાનમાં ચૂંટણીપ્રચારની એક સભામાં રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો અને એની ઑડિયો કૅસેટમાં શબ્દશઃ આ વાક્યો છે ઃ ‘ભારતમાતા હૈ કૌન? ભારતમાતા હૈ ક્યા?’ આનો અર્થ જુદો-જુદો થાય. સામાન્ય નાગરિક તો એમ જ સમજે કે રાહુલ ‘ભારતમાતા કી જય’ નારાને નાપસંદ કરીને તીર છોડે છે કે ભારતમાતા હૈ ક્યા? એટલે ટિકનું નિશાન નારાને બદલે ભારતમાતા તરફનું બની ગયું! આમાં રાહુલની વિચિત્ર હિન્દીનો દોષ છે કે પછી રાહુલ આ સૂત્ર પર પોતાની ચીડ કાઢે છે? રાજકીય પક્ષ (અને એ પણ કૉન્ગ્રેસ)નો દાવો છે કે ભારતની આઝાદી તેમનો પક્ષ લાવી છે. એનો નેતા આવા વિધાનથી કહેવા શું માગે છે?


રસપ્રદ તવારીખ તો એ પણ છે કે છેક ૧૯૩૬માં ગાંધી-નેહરુ પરિવારના પૂર્વજ દિગ્ગજ નેતા પંડિત જવાહરલાલ નેહરુએ આવી જ રીતે એક સભામાં ભાષણ કરતાં પૂછ્યું હતું કે ‘તમે જે આ નારો લગાવો છો એ ભારતમાતા કોણ છે?’ અને પછી લાક્ષણિક રીતે પોતે જ જવાબ આપતાં કહ્યું કે ‘પહાડ, નદી, વૃક્ષો, પ્રકૃતિ તો છે જ, પણ ભારતના સમગ્ર લોકો પણ છે, એ ભારતમાતા છે અને આ તેમનો જયકાર છે.’ એ સમયે તો આ એક રાષ્ટ્રભક્ત નેતાની વાત સમજીને કોઈએ ખાસ વિવાદ નહોતો કર્યો, પણ મૂળમાં ‘ભારત, ભારતમાતા અને એની જય’ વિશે એક વર્ગ પોતાની વિરોધ લાગણીને વારંવાર વ્યક્ત કરવાની માનસિકતા દર્શાવે છે. કૉન્ગ્રેસમાં છેક જમાનાથી આવું ચાલતું આવ્યું છે. રાષ્ટ્રીય કૉન્ગ્રેસની ૧૮૨૫માં મુંબઈના તેજપાલ સભાગૃહમાં થયેલી પ્રથમ બેઠકમાં જ ‘લૉન્ગ લિવ વિક્ટોરિયા’ ગીતથી શરૂઆત થઈ એ વર્ષો સુધી ચાલ્યું, પછી એમાંથી મુક્તિ મળી એ લોકમાન્ય ટિળક, લાલા લાજપતરાય, શ્રી અરવિંદ અને બિપિનચંદ્ર પાલના નેતૃત્વને લીધે રાષ્ટ્રીયતાનો રંગ ભળ્યો. એની શરૂઆત તો ઓગણીસમી સદીના અંત ભાગમાં થઈ ચૂકી હતી. ૧૮૭૩માં કિરણચંદ્ર બૅનરજીએ એક નાટક લખ્યું હતું, ‘ભારતમાતા.’ ૧૮૮૨માં એક નવલકથા બંગાળી ભાષામાં આવી એ ‘આનંદમઠ.’ એનાથી જંગલમાં આગની જેમ ‘વંદે માતરમ’નો જયઘોષ ચારે તરફ ઊઠ્યો. બંકિમચંદ્રની એ કથામાં આ ગીત આવે છે. અને કહેવામાં આવ્યું છે કે લેખકને બાળપણમાં ગામના પાદરેથી નીકળતા સાધુઓના કાફલામાંથી ‘માતા કી જય! માતા કી જય!’નો લલકાર સાંભળીને આ ગીતની પ્રેરણા થઈ હતી. ૧૯૦૫માં બંગાળના ભાગલાથી આ રાષ્ટ્રીય ભાવનાનો યુગ શરૂ થયો. વડોદરાથી (ગુજરાત અને ગુજરાતીઓએ આનું ગૌરવ અનુભવવું જોઈએ) અધ્યાપક અરવિંદ ઘોષે ‘ભવાની મંદિર’ પુસ્તિકા લખી. ભગિની નિવેદિતાએ ‘કાલી - ધ મધર’ લખ્યું, શાંતિનિકેતનમાં અબનીન્દ્રનાથ ટાગોરે એક ચિત્ર બનાવ્યું હતું, એમાં ભારતમાતાનો સાક્ષાત્કાર થાય છે. ૧૯૦૪માં આ ચિત્ર આવતાવેંત દેશને ભારતમાતાની તસવીર આત્મસાત થઈ અને રણઘોષ જેવું સૂત્ર મળ્યું ઃ ‘ભારત માતા કી જય!’



કોઈ એક સૂત્ર દેશની જાગૃતિનો મંત્ર બની જાય ત્યારે કેવી ચેતના જાગે છે એનો અંદાજ મેળવવા આ સૂત્ર પૂરતું છે. ભલે એનું શબ્દસ્વરૂપ વીસમી સદીના પ્રારંભે મળતું હોય, પણ એની ભાવના તો હજારો વર્ષ જૂની છે. ભારત અને પૃથ્વીને માતા તરીકેની વંદના તો છેક વેદકાળની છે ઃ ‘માતા ભૂમિ, પુત્રો અહમ પૃથ્વિયા’ આવું  અથર્વ વેદ સુક્તમાં વર્ણન છે, એટલે ભારતીય પરંપરામાં માતૃશક્તિ શિખર પર છે. વિવિધ પ્રદેશોમાં આ એકસૂત્રતા છે. મહારાષ્ટ્રમાં તો ભગવદ્ગીતાને પણ ગીતાઈ કહે છે! ભારતીય પૌરાણિક કથાઓમાં માતૃશક્તિનાં અનેક સ્વરૂપો છે, તે મહાકાળીથી ચામુંડા, દુર્ગા, ભવાની, ગૌરી, અંબા, કામાખ્યા... કેવા-કેવા સ્વરૂપે વિરાજિત છે. એટલે ભારતને માતાના સ્વરૂપે વંદના કરવી એ તો છેક વેદકાળથી ચાલી આવતી પરંપરા છે. એની પૃથ્વીસ્તુતિ છે, એને વસુધા કહેવામાં આવી છે અને એમાંથી જ આપણી સંસ્કૃતિમાં ‘વસુધૈવ કુટુંબકમ’ની ફિલસૂફી આવી. પછીથી આમાં અલગાવ આવ્યો એ ભારતીય રાજકારણ અને સમાજને કલુષિત કરી ગયો. ભારત દેશ છે અને એને માતા કહેવી, દુર્ગા માનવી એ અમારા ધર્મની વિરુદ્ધ છે એવી દલીલો કૉન્ગ્રેસ અને મુસ્લિમ લીગના મંચ પરથી શરૂ થઈ. ૧૯૫૦માં ભારતીય બંધારણના ઘડવૈયાઓને આ જ મુશ્કેલી પડી એટલે ‘જન ગણ મન’ રાષ્ટ્રગીત તરીકે સ્વીકારવામાં આવ્યું. ખરેખર તો ભારતીય સ્વાતંત્ર્ય જંગ સંપૂર્ણ રીતે વંદે માતરમના જયઘોષ સાથે ખેલાયો હતો. ૬ લાખ ક્રાન્તિકારો આ સૂત્રના ઘોષ સાથે ફાંસી, તોપ અને આંદામાનની યાતનાઓથી શહીદ થયા. મહત્ત્વની વાત એ છે કે એમાં બહાદુરશાહ ઝફર, અઝીમુલ્લા ખાન, અશફાકઉલ્લા ખાન જેવા મુસ્લિમ દેશભક્તો પણ માદરે વતન, વંદેમાતરમ અને ભારતમાતાના આદર્શ સાથે જોડાયા હતા. મોહમ્મદઅલી જિન્નાહ પણ શરૂઆતમાં હોમ રુલ આંદોલનના પ્રમુખ નેતા તરીકે વંદે માતરમ ગીત ઊભા થઈને અદબપૂર્વક ગાતા.


ખરી વાત એ છે કે હિન્દુ-મુસ્લિમ વૈમનસ્ય અને અલગાવને લીધે અને આજના તકલાદી ‘મોડરેટ્સ’ તેમ જ માર્ક્‍સવાદી ઇતિહાસકારોના વલણ અને પ્રચારને લીધે ભારતમાતા અને તેની જયને ‘કોમવાદી’ કે ‘ધાર્મિક’ ગણી લેવામાં આવે છે. કૉન્ગ્રેસના એક નેતા અવનિ બંસલે તો લેખ પણ લખ્યો હતો કે આ તો  સ્ત્રી-પુરુષનો મામલો છે. દેશ સ્ત્રી હોય કે પુરુષ. આમાં તો ધાર્મિક માનસિકતા છે. ઘણી જગ્યાએ દેશ અને સમુદાયને ફાધરલૅન્ડ માનવામાં આવે છે. જેમ કે જર્મની પુરુષવાચક દેશ છે, યહૂદીઓ પોતાના હોમલૅન્ડ માટે લડ્યા, પણ આ દલીલો ભારતને લાગુ પડતી નથી. રશિયા વિશ્વયુદ્ધ પહેલાં માત્ર પુરુષવાચક દેશ હતો, પણ આક્રમણને ખાળવા સ્ટૅલિને રશિયા માતૃભૂમિ તરીકેની ભાવના ઊભી કરવી પડી. ઇંગ્લૅન્ડ પોતાના માટે ‘શી’ શબ્દનો ઉપયોગ કરે છે અને આપણે બંધારણ અનુસાર ‘ઇન્ડિયા ધૅટ ઇઝ ભારત’ એવી વ્યાખ્યા કરી છે. ચાલાક મોડરેટ્સ એના આધારે એવી દલીલો કરે છે કે બંધારણમાં માત્ર ભારત કહેવામા આવ્યું છે, ભારતમાતા નહીં!

સ્વાધીન ભારતમાં લોકશાહીને મતમતાંતરનો મંચ બનાવવામાં આવ્યો એટલે સેક્યુલર હોવાના બહાના હેઠળ  ‘ભારતમાતા કી જય’નો ઇનકાર કરવામાં આવે છે. બીજું લક્ષણ તદ્દન રાજકીય છે. સત્તા પક્ષ બીજેપીનો કાર્યકર ‘ભારતમાતા કી જય’નું સૂત્ર પ્રયોજે છે, એનાથી પ્રજાનો (અર્થાત્ મતદારનો) મોટો વર્ગ ભાવાત્મક રીતે એની સાથે થઈ જાય છે. અરે ભાઈ, ભારતવર્ષ કહેવામાં પણ કોઈ વાંધો ક્યારેય નહોતો, ભારત શબ્દ અનેક પક્ષો સાથે જોડાયેલો છે, જેમ કે ભારતીય જનસંઘ, ભારતીય જનતા પક્ષ, ભારતીય કૉન્ગ્રેસ... વગેરે અને સ્વાતંત્ર્ય સૂત્રો પણ કેટલાં બધાં પ્રચલિત હતાં. લંડનમાં ઇન્ડિયા હાઉસના ક્રાન્તિકારોનું વીર સાવરકરે આપેલું સૂત્ર હતું, ‘સ્વાતંત્ર્ય લક્ષ્મીની જય!’ સરદાર ભગતસિંહ ‘ભારતમાતા કી જય’ સાથે પોકારતા ‘ઇન્કલાબ ઝિંદાબાદ.’ નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજે સ્વીકાર્યું હતું, ‘જય હિન્દ!’ આવું જ મહત્ત્વ ભારત માતા કી જય અને જય ભારતનું છે. આમાં રાહુલને ભારતમાતાની વ્યાખ્યા કરવાની જરૂર કેમ પડી? જવાબ એક જ છે, ઇતિહાસ અને સંસ્કૃતિના અધૂરા જ્ઞાન સાથે, રાજકીય પ્રતિસ્પર્ધી સામે આવું કોઈ તિકડમ કરવું જેથી મતદાર ફંટાઈ જાય!


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2023 09:25 AM IST | New Delhi | Dr. Vishnu Pandya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK