બીજેપીના સંસદસભ્યે એક ટ્વીટમાં ચીન સાથે સંબંધો ધરાવતા વાવેઇનો ઉલ્લેખ કર્યો હતો
નરેન્દ્ર મોદી
નવી દિલ્હી ઃ પીએમ નરેન્દ્ર મોદી પરની બીબીસીની ડૉક્યુમેન્ટરી રિસન્ટલી રિલીઝ થતાં જ દેશમાં હોબાળો મચી ગયો હતો. ભારત સરકારે એને અપપ્રચાર ગણાવ્યો છે. હવે બીજેપીના સંસદસભ્ય મહેશ જેઠમલાણીએ આરોપ મૂક્યો છે કે ‘ભારતવિરોધી’ બીબીસી (બ્રિટિશ બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન) એટલી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે કે એ ચીન સાથે કનેક્શન ધરાવતી હુઆવેઇ પાસેથી ભંડોળ મેળવી રહ્યું છે.
બીજેપીના આ સંસદસભ્યે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘શા માટે બીબીસી આટલું ભારત વિરોધી છે? કેમ કે એ એટલી આર્થિક તંગીનો સામનો કરી રહ્યું છે કે એ ચીનની સાથે સંબંધો ધરાવતા વાવેઇ પાસેથી ભંડોળ મેળવી રહ્યું છે. એ ભંડોળ મેળવીને એ ચીનનો એજન્ડા આગળ ધપાવે છે. એ સિમ્પલ કૅશના બદલામાં અપપ્રચાર માટેની ડીલ છે. બીબીસી વેચાવા માટે મૂકવામાં આવ્યું છે.’
ADVERTISEMENT
આ પણ વાંચો : વડાપ્રધાન મોદી વિરુદ્ધની બીબીસીની ડૉક્યુમેન્ટરી જોવા મામલે જામિયા મિલિયામાં ધમાલ
આ ટ્વીટમાં તેમણે યુકેના મૅગેઝિન ‘ધ સ્પેક્ટર’ના રિપોર્ટની લિન્ક શૅર કરી છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે બીબીસી હજી પણ પ્રતિબંધિત વાવેઇ પાસેથી ભંડોળ મેળવી રહ્યું છે. આ રિપોર્ટ અનુસાર બીબીસીની વેબસાઇટમાં જોવા મળે છે કે ઍડ્વર્ટાઇઝમેન્ટ માટે હુઆવેઇ દ્વારા ભંડોળ ચૂકવવામાં આવ્યું છે. અમેરિકા દ્વારા ૨૦૧૯માં વાવેઇ પર પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા. સુરક્ષાને ખતરાને ધ્યાનમાં રાખીને અમેરિકાએ આ ચાઇનીઝ મૅન્યુફૅક્ચરિંગ કંપનીની સાથે વેપાર પર પ્રતિબંધો મૂક્યા હતા.
મહેશ જેઠમલાણીએ એમ પણ જણાવ્યું હતું કે ‘બીબીસીએ ૨૦૨૧માં ભારતનો ખોટો નકશો પ્રકાશિત કર્યો હતો, જેના પછી એણે ભારત સરકારની માફી માગી હતી. એ સિવાય બીબીસી દ્વારા ભારત વિરુદ્ધ કરાતા અપપ્રચારનો લાંબો ઇતિહાસ રહ્યો છે.’
નોંધપાત્ર છે કે ભારત સરકારે બીબીસીની પીએમ મોદી પરની ડૉક્યુમેન્ટરીની લિન્ક શૅર કરતી વેબસાઇટ્સને બ્લૉક કરી દીધી છે. એમ છતાં દેશની અનેક કૉલેજોમાં એનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.