મેરઠના હત્યાકાંડ વિશે ત્યાં કથા કરવા પહોંચેલા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું...
બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી
ઉત્તર પ્રદેશના મેરઠમાં સૌરભ રાજપૂત હત્યાકાંડના પગલે બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે ભારતમાં બ્લુ રંગનું ડ્રમ ઘણું વાઇરલ છે, ઘણા પતિઓ ટેન્શનમાં છે. સૌરભ શુક્લાની હત્યા તેની પત્ની મુસ્કાન રસ્તોગી અને મુસ્કાનના પ્રેમી સાહિલ શુક્લાએ કરી હતી અને તેના મૃતદેહના ટુકડા કરીને બ્લુ રંગના ડ્રમમાં ભરી દીધા હતા અને એના પર બે ગૂણી સિમેન્ટનું પાણી નાખી દીધું હતું. સૌરભ હત્યાકાંડે દેશમાં સનસનાટી મચાવી છે. લોકો સોશ્યલ મીડિયામાં બ્લુ રંગનાં ડ્રમ્સ સાથે મીમ્સ મૂકી રહ્યા છે.
મેરઠમાં હનુમંતકથા કરવા પહોંચેલા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ સૌરભ હત્યાકાંડ પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ‘ભારતમાં બ્લુ રંગનું ડ્રમ વાઇરલ થયું છે. ઘણા પતિઓ ટેન્શનમાં છે. ભગવાનની કૃપા છે કે મારાં લગ્ન થયાં નથી.’
ADVERTISEMENT
સંસ્કારવાન પરિવાર બનાવવા માટે દરેક ભારતીયે રામચરિત માનસને જીવનનો આધાર બનાવવું જોઈએ એમ જણાવતાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘સૌરભ હત્યાકાંડ અત્યંત નિંદનીય છે. સંસ્કાર અને પાલનપોષણમાં ઊણપ રહી એનું આ પરિણામ છે. પશ્ચિમની સંસ્કૃતિનું આગમન જ આવી રીતની ઘટનાઓ માટે જવાબદાર છે. આવી ઘટનાઓ છૂટાછેડાની વ્યવસ્થાનું પરિણામ છે. જીવનમાં માત્ર એક જ લગ્ન હોવાં જોઈએ.’
અનિરુદ્ધાચાર્યએ પણ ઠાલવ્યો બળાપો : આ છોકરીની બુદ્ધિ આવી કેવી રીતે થઈ?
વૃંદાવનમાં ગૌરી ગોપાલ આશ્રમ ચલાવતા કથાવાચક અનિરુદ્ધાચાર્યએ પણ આ હત્યાકાંડ વિશે બળાપો વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ‘આજકાલ આ ધંધો સારો છે ભૈયા. લગ્ન કરો, થોડા મહિના બાદ તલાકનો કેસ નાખી દો. પાર્ટી મોટી હોય તો એક-બે કરોડમાં કેસ પતી જશે. અન્યથા ૧૦-૧૨ લાખ રૂપિયા તો ક્યાંય ગયા નથી. જો વધારે પડતી ત્રણ-પાંચ કરશો તો ડ્રમમાં જોવા મળશો. પોતાના પતિની છાતીમાં ચાકુ ઘુસાવી દેનારી સ્ત્રી કેવી હશે? ઊંઘની ગોળીઓ ભોજનમાં આપીને તેનું મર્ડર કરનારી અને ડેડ-બૉડીને કાપીને ડ્રમમાં ભરી દેનારી સ્ત્રી કેવી હશે? જરા વિચારો આનાથી શું સિદ્ધ થાય છે? હું સવાલ પૂછવા માગું છું કે આ છોકરીની બુદ્ધિ આવી કેવી રીતે થઈ? હું સમાજને પૂછવા માગું છું કે આવી બુદ્ધિ શા માટે થઈ રહી છે? આજે છોકરી-છોકરી અને છોકરા-છોકરા રિલેશનશિપમાં છે. જે બીજાને પરેશાન કરે છે તેની હત્યા કરી દેવામાં આવે છે.’

