વડા પ્રધાને ક્રિપ્ટોકરન્સી માટે ગ્લોબલ ફ્રેમવર્કની અને સમાજને કોઈ રીતે નુકસાન ન થાય એ રીતે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ઉપયોગની હિમાયત કરી
નવી દિલ્હીમાં ગઈ કાલે B20 સમિટ ઇન્ડિયા ૨૦૨૩ને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી (તસવીર : પી.ટી.આઇ.)
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ક્રિપ્ટોકરન્સી માટે ગ્લોબલ ફ્રેમવર્કની તેમ જ સમાજને કોઈ રીતે નુકસાન ન થાય એ રીતે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના ઉપયોગની હિમાયત કરી હતી.
કૉન્ફડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી દ્વારા નવી દિલ્હીમાં આયોજિત B20 સમિટ ઇન્ડિયા ૨૦૨૩ને સંબોધતાં વડા પ્રધાને વર્ષમાં એક વખત ‘ઇન્ટરનૅશનલ કન્ઝ્યુમર કૅર ડે’ ઊજવવાની તેમ જ ઉદ્યોગોને વધુ એન્વાયર્નમેન્ટ-ફ્રેન્ડ્લી બનવાની હિમાયત કરી હતી. તેમણે કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રી 4.0ના યુગમાં ભારત ડિજિટલ રેવલ્યુશનનો ચહેરો બની છે અને સક્ષમ તથા ભરોસાલાયક ગ્લોબલ સપ્લાય ચેઇનના નિર્માણમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
ADVERTISEMENT
સંકલિત પ્રયાસો જરૂરી
ક્રિપ્ટોકરન્સી વિશે વડા પ્રધાને કહ્યું હતું કે ‘ક્રિપ્ટોકરન્સીને લઈને એક પડકાર છે. આ મામલે મૅક્સિમમ સંકલિત પ્રયાસો જરૂરી છે. હું માનું છું કે ગ્લોબલ ફ્રેમવર્ક તૈયાર કરવાની જરૂર છે જેમાં તમામ પક્ષકારોનાં હિતોની કાળજી લેવાવી જોઈએ.’
એઆઇના મામલે નીતિમત્તાના સંબંધમાં વિચાર કરવાની જરૂર
એઆઇના સંબંધમાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘આજે એઆઇના સંબંધમાં દુનિયામાં ખૂબ જ એક્સાઇટમેન્ટ જોવા મળી રહ્યું છે, પરંતુ આ એક્સાઇટમેન્ટની વચ્ચે નીતિમત્તાની દૃષ્ટિએ કેટલીક બાબતોનો વિચાર કરવાની જરૂર છે. ઍલ્ગરિધમ પક્ષપાત અને એની સમાજ પર અસર વિશે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આવી સમસ્યાઓનો પણ સાથે મળીને ઉકેલ લાવવાનો રહેશે.’ ઍલ્ગરિધમને ડેવલપ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલો ડેટા પક્ષપાતવાળો હોય તો એ એવાં જ પરિણામો આપે.