નવા અધ્યક્ષના નેતૃત્વમાં મળેલી પહેલી બેઠકમાં કરવામાં આવ્યું આ સૂચન: ભગવાનનાં જલદી દર્શન કરાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે નિષ્ણાતોની એક સમિતિનું ગઠન
તિરુપતિમાં આવેલા શ્રી વેન્કટેશ્વરા મંદિર
તિરુપતિમાં આવેલા શ્રી વેન્કટેશ્વરા મંદિરનું સંચાલન કરતા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના નવા અધ્યક્ષ બી. આર. નાયડુના પ્રમુખપદે મળેલી પહેલી બેઠકમાં મંદિરમાં કામ કરતા બિનહિન્દુઓને અન્ય સરકારી વિભાગોમાં બદલી કરવાનું કે તેમને વૉલન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ (VRS) આપી છૂટા કરવામાં આવે એવું સૂચન કરવામાં આવ્યું હતું.
હાલમાં મદિરમાં દર્શન કરવા માટે ક્યારેક ૨૦ કલાક લાગી જતા હોય છે એ સમયગાળો ઘટાડીને બેથી ત્રણ કલાકનો કેવી રીતે કરી શકાય એનાં સૂચનો આપવા માટે નિષ્ણાતોની એક પૅનલનું ગઠન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઝડપથી દર્શન કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદ લેવા જેવાં સૂચનો કરવામાં આવ્યાં હતાં.
ADVERTISEMENT
મંદિર પરિસરમાં કોઈ પણ જાતનાં રાજકીય નિવેદનો કરવા પર પ્રતિબંધ મૂકવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે.
મંદિરમાં પ્રસાદના લાડુ બનાવવા માટે ઉચ્ચ કવૉલિટીનું ઘી ખરીદવા માટે નવેસરથી ટેન્ડર પ્રક્રિયાનો આરંભ કરવામાં આવશે. આંધ્ર પ્રદેશ ટૂરિઝમ કૉર્પોરેશનને દર્શન ક્વોટા આપવામાં આવે છે પણ એમાં ગરબડ થતી હોવાની ફરિયાદો મળતાં આ ક્વોટા દૂર કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે. મંદિરની તમામ ડિપોઝિટોને પ્રાઇવેટ બૅન્કોમાંથી રાષ્ટ્રીયકૃત બૅન્કોમાં ટ્રાન્સફર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.