સોમવારે રામમંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કન્સ્ટ્રક્શન-ટીમ પર બેદરકારીનો આરોપ મૂકતાં જણાવ્યું હતું
ફાઇલ તસવીર
જાન્યુઆરીમાં જેનું ભવ્ય ઉદ્ઘાટન થયું એ રામમંદિરમાં પાણી ટપકી રહ્યું છે એવો દાવો મુખ્ય પૂજારીએ કર્યો હતો. જોકે રામમંદિર ટ્રસ્ટે આ દાવો ફગાવી દીધો છે. રામમંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ સ્પષ્ટતા કરી હતી કે મંદિરના ગર્ભગૃહમાં છત લીક નથી થઈ અને વરસાદનું પાણી ઇલેક્ટ્રિક વાયર ઇન્સ્ટૉલેશન માટેની પાઇપમાંથી આવ્યું હતું. નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે ‘મેં મંદિરના બાંધકામનું નિરીક્ષણ કર્યું છે અને એમાં કોઈ ખામી નથી. હાલ મંદિરના બીજા માળનું બાંધકામ થઈ રહ્યું છે અને એક વાર છત ભરાઈ ગયા બાદ વરસાદનું પાણી મંદિરમાં નહીં આવે.’
સોમવારે રામમંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કન્સ્ટ્રક્શન-ટીમ પર બેદરકારીનો આરોપ મૂકતાં જણાવ્યું હતું કે ‘મંદિરમાં વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા નથી કરવામાં આવી. મંદિરના ગર્ભગૃહમાં જ્યાં રામલલાની મૂર્તિ સામે પૂજારી બેસે છે અને VIP લોકો દર્શન માટે આવે છે એની ઉપરની છત પહેલા વરસાદમાં જ લીક થઈ રહી છે. આ આશ્ચર્યજનક છે કે વિશ્વપ્રસિદ્ધ મંદિરની છતમાંથી પાણી ટપકી રહ્યું છે. નિષ્ણાત એન્જિનિયરોની હાજરીમાં આવી ઘટના બને એ અસ્વીકાર્ય છે.’