હેમાજીના પર્ફોર્મન્સે બનાવ્યું ભક્તિમય વાતાવરણ , કાષ્ઠ કોતરણીવાળી હનુમાન ચાલીસા અને વધુ અપડેટસ
હર દિલ મેં રામ
પ્રતીકાત્મક તસવીર
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં વારાણસીની એક શૉપમાં તુલસીદાસ રચિત શ્રીરામચરિતમાનસમાં દર્શાવાયેલી ભગવાન રામની કથાના વિવિધ દૃશ્યોનું નિરૂપણ કરતી એક સાડી તૈયાર કરવામાં આવી છે. પ્યૉર સિલ્કની આ સાડી પર બ્લૉક્સ દ્વારા પ્રિન્ટિંગ કરવામાં આવ્યું છે, પણ એ માટે વિવિધ દૃશ્યોનું નિરૂપણ થઈ શકે એવા ૧૮૦૦ બ્લૉક્સ બનાવવામાં આવ્યા હતા. સાડી બનાવનારા કલાકારોની ઇચ્છા છે કે તેઓ આ સાડી ભગવાન રામના ચરણે ધરે. તેઓ આ સાડીની બીજી કોઈ જ કૉપી બનાવવા નથી માગતા.
હેમાજીના પર્ફોર્મન્સે બનાવ્યું ભક્તિમય વાતાવરણ
ગઈ કાલે અયોધ્યામાં ચાલી રહેલી રામભદ્રાચાર્યજીની રામકથાના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીનાં નેતા અને સંસદસભ્ય હેમા માલિનીએ તેમના કલાકારોની ટીમ સાથે રામાયણ પર આધારિત નૃત્યનાટિકા પ્રસ્તુત કરી હતી. જૈફ વયે પણ તેમની સ્ફૂર્તિ અને ભાવ જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
ADVERTISEMENT
કાષ્ઠ કોતરણીવાળી હનુમાન ચાલીસા
બેહરામપુર પાસે આવેલા કાંચુરુ ગામના ૩૫ વર્ષના કલાકાર અરુણ સાહુએ લાકડાના પાટિયા પર આખી હનુમાન ચાલીસા કોતરી છે. નવા રામ મંદિરમાં રામના પરમભક્ત હનુમાનની ચાલીસા તેઓ અર્પણ કરવા માગે છે.
મીરા રોડ સ્ટેશન બન્યું રામમય
અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાને માત્ર ત્રણ જ દિવસ બચ્યા છે ત્યારે દેશ-વિદેશમાં ‘જય શ્રીરામ જય શ્રીરામ’ થઈ રહ્યું છે, તો મીરા રોડવાસીઓ કેમ પાછળ રહી જાય? તેમણે રેલવે-સ્ટેશન પાસે ભગવાન શ્રીરામની ૩૦ ફીટની મૂર્તિ મૂકી છે અને સ્ટેશનના બીજા છેડે ‘જય શ્રીરામ’ લખેલું મસમોટું તોરણ લટકાવ્યું છે. લોકોના મોઢેથી આ મૂર્તિ અને તોરણ જોઈને ‘જય શ્રીરામ’ બોલાઈ રહ્યું છે.
પ્રકાશ બાંભરોલિયા
રેપ્લિકાઓની ભરમાર
અમદાવાદના મુસ્લિમભાઈ ફજલેહુસેન મનુસિયાએ લાકડામાંથી રામમંદિરની મોટી સંખ્યામાં રેપ્લિકા બનાવી છે.ઇન્દોરની શેરેટન ગ્રૅન્ડ પૅલેસ હોટેલે પણ ૪૦ કિલો ચૉકલેટમાંથી રામમંદિરની પ્રતિકૃતિ તૈયાર કરી છે.