પાંચ લાખથી વધારે મંદિરોમાં વિશેષ કાર્યક્રમો કરીને સમગ્ર દેશને અયોધ્યામય બનાવવાની યોજના
ફાઇલ તસવીર
અયોધ્યામાં શ્રીરામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટેની વિધિઓની ‘અક્ષત પૂજા’ સાથે ગઈ કાલથી શરૂઆત થઈ ગઈ હતી. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે કહ્યું હતું કે ‘૧૦૦ ક્વિન્ટલ ચોખાની સાથે હળદર અને દેશી ઘી મિક્સ કરીને એના પૂજન સાથે મંદિરના રામ દરબારમાં અક્ષત પૂજા કરવામાં આવી હતી.
શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા આવતા વર્ષે ૨૨મી જાન્યુઆરીએ થવાની છે. આ દિવસે સમગ્ર દેશમાં ભવ્ય ઉત્સવ ઊજવવામાં આવશે. આ પ્રસંગે હજારો લોકો અયોધ્યા પહોંચે એવી શક્યતા છે. જોકે શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં ન જઈ શકનારા લોકોએ નિરાશ થવાની જરૂર નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ આવા લોકો માટે સમગ્ર દેશને અયોધ્યામય બનાવવાની યોજના તૈયાર કરી છે. દેશભરમાં વિશ્વ હિન્દુ પરિષદના ૪૫ પ્રદેશ એકમોમાંથી કાર્યકરો ઘરે-ઘરે જઈને ‘અક્ષત’ (પવિત્ર પ્રસાદ) ડિસ્ટ્રિબ્યુટ કરશે અને લોકોને ૨૨મી જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રીરામ મંદિરના અભિષેક સમારોહ નિમિત્તે નજીકનાં મંદિરોમાં યોજાનારા વિશેષ કાર્યક્રમમાં સામેલ થવાનો આગ્રહ કરશે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના એક સભ્યે કહ્યું હતું કે ‘પ્રત્યેક પ્રદેશને પાંચ કિલો અક્ષત આપવામાં આવશે. આ અક્ષતમાં વધારે ચોખા અને હળદર મિક્સ કરાશે. ડિસેમ્બરના અંત સુધીમાં અક્ષત સમગ્ર દેશનાં ગામો અને વૉર્ડો સુધી પહોંચાડવામાં આવશે. જેને પહેલી જાન્યુઆરીથી ૧૫મી જાન્યુઆરી સુધીમાં ઘરે-ઘરે ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવશે. અમારો ટાર્ગેટ પાંચ કરોડ ઘરોમાં દીવા પ્રગટાવવાનો છે. પાંચ લાખથી વધારે મંદિરોમાં વિશેષ કાર્યક્રમો કરીને અમારી યોજના સમગ્ર દેશને અયોધ્યામય બનાવવાની છે.’