અવની એક એસયુ-૩૦ એમકેઆઇ પાઇલટ હતી, જેણે ૧૨થી ૨૬ જાન્યુઆરી દરમ્યાન જપાનના ઍરબેસ હાયુકુરી પર જપાન ઍૅર સેલ્ફ ડિફેન્સ ફોર્સ સાથે ૧૬ દિવસની યુદ્ધ કવાયતમાં ભાગ લીધો હતો
સ્ક્વૉડ્રન લીડર અવની ચતુર્વેદી
નવી દિલ્હી : ઇન્ટરનૅશનલ વૉર ગેમમાં ભાગ લેનાર ઇન્ડિયન ઍર ફોર્સની પહેલી મહિલા ફાઇટર બનનાર સ્ક્વૉડ્રન લીડર અવની ચતુર્વેદીએ કહ્યું હતું કે ‘યુદ્ધ વિમાન ઉડાડવું જ એક રોમાંચ છે તેમ જ ઍરફોર્સમાં કારકિર્દી બનાવવા માગતા યુવાનો માટે અહીં કોઈ જ મર્યાદા નથી.’ અવની એક એસયુ-૩૦ એમકેઆઇ પાઇલટ હતી, જેણે ૧૨થી ૨૬ જાન્યુઆરી દરમ્યાન જપાનના ઍરબેસ હાયુકુરી પર જપાન ઍૅર સેલ્ફ ડિફેન્સ ફોર્સ સાથે ૧૬ દિવસની યુદ્ધ કવાયતમાં ભાગ લીધો હતો. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘ફ્લાઇંગ એક્સરસાઇઝમાં ભાગ લેવો હંમેશાં એક સારો જ અનુભવ હોય છે. વળી પહેલી વખત હું આંતરરાષ્ટ્રીય એક્સરસાઇઝમાં જોડાઈ હતી. મને એમાંથી ઘણું શીખવા મળ્યું હતું. ઍરફોર્સમાં જોડાવા માગતા તમામે ધ્યેય પર નજર રાખીને દૃઢ નિશ્ચય સાથે આ ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ. ’ અવની ચતુર્વેદી ૨૦૧૬માં ઇન્ડિયન ઍરફોર્સમાં જોડાયેલી પ્રથમ ત્રણ મહિલા પાઇલટ પૈકી એક હતી. બાકી બેમાં ભાવના કાન્ત અને મોહના સિંહનો સમાવેશ થાય છે. મધ્ય પ્રદેશની અવનીએ કમ્પ્યુટર સાયન્સમાં બીટેક કર્યું છે. ૨૦૧૮માં તે મિગ-૧૮ ઉડાવનાર પહેલી મહિલા પાઇલટ બની હતી. તેણે જામનગર બેઝ પરથી ઉડાન ભરી હતી.