મંદિરની બહાર કચરામાં મૂર્તિ મળવાના વિરોધમાં ધરણાં કરી રહેલા સુધીર સૂરિ પર હુમલો , જેના કારણે લઘુમતીઓમાં વધારે રોષ ફેલાયો
પ્રતીકાત્મક તસવીર
હિન્દુત્વવાદી નેતા સુધીર સૂરિની ગઈ કાલે બપોરે અમ્રિતસરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. શિવસેના નામવાળા એક સ્થાનિક સંગઠનના નેતા સૂરિ વિવાદને લઈને એક મંદિરની બહાર વિરોધ-પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે સ્થાનિક દુકાનદારે તેમને પિસ્તોલ વડે પાંચ ગોળી મારી હતી, જેમાંથી બે તેમને વાગી હતી.
સૂરિને પોલીસ પ્રોટેક્શન હતું, પરંતુ હુમલાખોર ઓછામાં ઓછી બે ગોળી તેમને મારવામાં સફળ રહ્યો હતો. એને કારણે તેમને હૉસ્પિટલમાં લઈ જવાયા એ પહેલાં જ તેમનું મૃત્યુ થયું હતું. એકમાત્ર હુમલાખોર સંદીપ સિંહની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી પિસ્તોલ જપ્ત કરવામાં આવી છે. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાખોર એસયુવીમાં અન્ય ત્રણ જણ સાથે એ સ્થળે આવ્યો હતો, પરંતુ એ ત્રણેય જણ ભાગી ગયા હતા.
નોંધપાત્ર છે કે આ મંદિરની બહાર થોડા સમય પહેલાં કચરામાંથી મૂર્તિ મળી આવી હતી, જે માટે દોષી લોકોની વિરુદ્ધ કોઈ પગલાં ન લેવામાં આવ્યા હોવાને કારણે લોકોમાં રોષ હતો અને એ મામલે વિરોધ કરવા માટે જ સૂરિ ધરણાં કરી રહ્યા હતા. હવે તેમની હત્યાથી લઘુમતીઓમાં રોષ વધ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અડધો ડઝન જેટલા લઘુમતી નેતાઓની હત્યા થઈ છે. હવે પોલીસ તપાસ કરી રહી છે કે આ ઘટનામાં ખાલિસ્તાન જૂથની કોઈ સંડોવણી છે કે અંગત અદાવતથી આ હુમલો કરવામાં આવ્યો છે.
જાણવા મળ્યું છે કે આક્રમક મિજાજ અને કથિત સાંપ્રદાયિક ભાષણો માટે જાણીતા સૂરિની ગઈ કાલે મંદિરના મૅનેજમેન્ટના કેટલાક માણસો સાથે બોલાચાલી થઈ હતી. તેઓ સ્ટ્રીટમાં ધરણાં પર બેઠા હતા ત્યારે તેમને ગોળી મારવામાં આવી હતી. તેમની બાજુમાં બેસેલી વ્યક્તિએ રિવૉલ્વરમાંથી હુમલાખોર પર વળતો ગોળીબાર કર્યો હોવાનું જોવા મળ્યું હતું. સુધીર સૂરિની હત્યાથી ૨૦૧૬-’૧૭માં ધાર્મિક નેતાઓ, ખાસ કરીને હિન્દુત્વવાદી સંગઠનોના અનેક નેતાઓની હત્યાઓની યાદો તાજી થઈ છે.