૮૦૦થી ૧૨૦૦ કિલોમીટરની ઓવરનાઇટ જર્ની માટે તૈયાર કરવામાં આવી છે આ ટ્રેન, રાજધાની એક્સપ્રેસ જેટલું હશે ભાડું
વંદે ભારત સ્લીપર કોચ
રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે ગઈ કાલે બૅન્ગલોરના ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML)ની ફૅક્ટરીમાં વંદે ભારત એક્સપ્રેસના સ્લીપર કોચના પહેલવહેલા મૉડલનું અનાવરણ કર્યું હતું. દસ દિવસ સુધી આ મૉડલ પર સખત પરીક્ષણ કરવામાં આવશે અને ત્યાર બાદ એને પાટા પર દોડાવવામાં આવશે. આગામી ત્રણ મહિનામાં આ ટ્રેનની સર્વિસ શરૂ કરવામાં આવે એવી ધારણા છે.
વંદે ભારત ટ્રેનોની સિરીઝ વિશે બોલતાં અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે વંદે ભારત ચૅર કાર બાદ અમે વંદે ભારત સ્લીપર કાર પર કામ કરી રહ્યા હતા અને એનું નિર્માણ હવે પૂર્ણ થયું છે. આ ટ્રેનને પરીક્ષણ માટે BEMLની ફૅક્ટરીની બહાર લઈ જવામાં આવશે. એના પર પરીક્ષણ પૂરાં થયા બાદ એના કોચનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે.
૧૬ કોચ ધરાવતી વંદે ભારત સ્લીપર ટ્રેન ૮૦૦થી ૧૨૦૦ કિલોમીટરની ઓવરનાઇટ જર્ની માટે તૈયાર કરવામાં આવી છે. એમાં તમામ પ્રવાસીઓને સરખા પ્રમાણમાં ઑક્સિજન મળતો રહે અને વાઇરસનો ફેલાવો ન થાય એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. કોવિડ-19 બાદ આ પ્રકારની સુવિધા જરૂરી બની છે. આ ટ્રેનો મિડલ ક્લાસના લોકો માટે રહેશે અને એનું ભાડું રાજધાની એક્સપ્રેસ ટ્રેન જેટલું જ રાખવામાં આવશે.
ADVERTISEMENT
ભોજનની ક્વૉલિટીમાં સુધારો થશે
રેલવેપ્રધાનને જ્યારે વંદે ભારતમાં ખરાબ ક્વૉલિટીના ભોજન બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘ભારતીય રેલવે રોજ ૧૩ લાખ ભોજન-પૅકેટ પીરસે છે. એમાંથી અમને માત્ર ૦.૦૧ ટકાથી ઓછી ફરિયાદ મળે છે. આ છતાં અમે ફરિયાદો બાબતે ચિંતિત છીએ. અમે કૅટરર્સ અને વિવિધ ફૂડ સપ્લાય કરનારાઓ સામે સખત કાર્યવાહી પણ કરી રહ્યા છીએ. અમે ક્વૉલિટી સુધારવાનો પણ સતત પ્રયાસ કરી રહ્યા છીએ.’