અરવિંદ કેજરીવાલનો RSSના વડા મોહન ભાગવતને પત્ર- સામે BJPએ વળતો પ્રહાર કરીને પોતાનામાં પાંચ સુધારા કરવાની સલાહ આપી AAPના બૉસને
અરવિંદ કેજરીવાલ અને મોહન ભાગવત
આવતા મહિને દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે એવા સમયે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતને પત્ર લખ્યો છે અને પૂછ્યું છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) ચૂંટણીમાં જે ગેરરિતિઓ આચરી રહી છે એને શું RSSનું સમર્થન છે?
જોકે આ મુદ્દે BJPએ તાત્કાલિક વળતો જવાબ આપ્યો છે અને કેજરીવાલને સ્વસુધારણા માટે પોતાનામાં પાંચ સુધારા કરવા જણાવ્યું છે.
ADVERTISEMENT
૩૦ ડિસેમ્બરે મોહન ભાગવતને લખેલા પત્રમાં કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે ‘મીડિયામાં એવા રિપોર્ટ છે કે RSS દિલ્હીની ચૂંટણીમાં BJP માટે મત માગવાનો છે. શું આ વાત સાચી છે? આ પહેલાં લોકો જાણવા માગે છે કે BJPએ ભૂતકાળમાં જે ખોટાં કામ કર્યાં છે એને શું RSSનું સમર્થન છે?’
કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે BJPના લોકો મતદારયાદીઓમાં છેડછાડ કરી રહ્યા છે અને સંવેદનશીલ સમુદાયોને નિશાન બનાવી રહ્યા છે. મોહન ભાગવતને લખેલા પત્રમાં તેમણે લખ્યું છે, ‘ગરીબો, દલિતો, પૂર્વ ભારતના લોકો અને ઝૂંપડાવાસીઓનાં નામ કટ કરવાના મોટા પાયે પ્રયાસો થઈ રહ્યા છે. આ લોકો લાંબા સમયથી દિલ્હીમાં રહે છે. શું RSSને લાગે છે કે આમ કરવું ભારતીય લોકશાહી માટે યોગ્ય છે? શું તમને એવું નથી લાગતું કે આમ કરીને BJP ભારતીય લોકતંત્રને નબળું પાડી રહી છે?’
કેજરીવાલના આ પત્ર બાદ BJPએ પણ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા હતા.
દિલ્હી BJPના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવે ગઈ કાલે આ મુદ્દે અરવિંદ કેજરીવાલને પત્ર લખીને તેમના પર અપ્રામાણિકતાનો આરોપ લગાવ્યો હતો અને નવા વર્ષમાં પાંચ સંકલ્પ લેવા માટે સૂચન કર્યું હતું. તેમણે લખ્યું કે નવા વર્ષના પ્રથમ દિવસે દિલ્હીના તમામ લોકો આશા રાખે છે કે તમે તમારી જૂઠ અને છેતરપિંડી કરવાની ખરાબ ટેવ છોડીને તમારામાં અર્થપૂર્ણ પરિવર્તન લાવશો.
આ મુદ્દે સચદેવે વધુમાં લખ્યું છે, ‘મને વિશ્વાસ છે કે તમે તમારાં બાળકોના ક્યારેય ફરી ખોટા શપથ નહીં લો. તમે ખોટાં વચન આપીને દિલ્હીની મહિલાઓ, વૃદ્ધો અને ધાર્મિક લોકોની લાગણીઓ સાથે રમવાનું બંધ કરશો અને દિલ્હીમાં દારૂનો પ્રચાર કરવા માટે દિલ્હીની જનતાની માફી માગશો. યમુના નદી સાફ કરવામાં કથિત ભ્રષ્ટાચાર અને નદી સાફ કરવાની નિષ્ફળતા માટે પણ તમે લોકોની માફી માગશો. તમે રાજકીય લાભ મેળવવા માટે રાષ્ટ્રવિરોધી શક્તિઓને ન મળવાનો કે દાન ન લેવાનો સંકલ્પ કરશો. હું આશા રાખું છું કે મારાં આ સૂચનો અપનાવીને તમે જૂઠાણાં અને છેતરપિંડીથી દૂર રહીને તમારા જીવનમાં અર્થપૂર્ણ સુધારો લાવશો. ભગવાન તમને સાચા માર્ગ પર ચાલવાની શક્તિ આપશે.’
આમ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં BJP અને AAP વચ્ચે પત્રોની આપ-લેથી શબ્દોનું યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે.
અગાઉ પણ લખ્યા છે પત્ર
અરવિંદ કેજરીવાલે ભૂતકાળમાં પણ મોહન ભાગવતને પત્રો લખ્યા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પણ પત્ર મોકલીને તેમણે પાંચ સવાલ પૂછ્યા હતા. તેમણે મોહન ભાગવતને પૂછ્યું હતું કે શું વડા પ્રધાન નરેન્દ્ર મોદી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)નો ઉપયોગ કરીને પાર્ટીઓ તોડે છે એ યોગ્ય છે?