સુપ્રીમ કોર્ટમાં સમયના અભાવે કોઈ આદેશ ન આવ્યો : હવે ૯ મેએ સુનાવણીની શક્યતા
અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ગઈ કાલે સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન નહોતા મળ્યા. સમયના અભાવે કોર્ટ આ મુદ્દે કોઈ આદેશ આપી શકી નહોતી. હવે ૯ મેના દિવસે આગળની સુનાવણી કરી શકે છે. કેજરીવાલે દિલ્હી શરાબ કૌભાંડમાં તેમની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. ગયા વખતની સુનાવણીમાં કોર્ટ કેજરીવાલને વચગાળાના જામીન આપી શકે એવા સંકેત મળ્યા હતા. જોકે ગઈ કાલે કોર્ટે કોઈ આદેશ આપ્યો નહોતો અને ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. દિલ્હી શરાબ કૌભાંડમાં ગઈ કાલે કોર્ટ કોઈ પણ ચુકાદો સંભળાવ્યા વિના જ ઊઠી ગઈ હતી.
સવારે ૧૦.૩૦ વાગ્યે સુનાવણી શરૂ થઈ હતી અને લંચ-બ્રેક સુધીમાં તો જામીનની શરતો પણ નક્કી કરી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો જેલમાં બંધ કેજરીવાલને વચગાળાની જામીન મળ્યા તો તેમને મુખ્ય પ્રધાન તરીકે સત્તાવાર કામકાજ કરવાની પરવાનગી નહીં હોય. જોકે લંચ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે કહ્યું હતું કે કોર્ટે કેજરીવાલના વકીલને ત્રણ દિવસ સુધી સાંભળ્યા હતા એથી અમને પણ પર્યાપ્ત સમય આપવામાં આવે.
કેજરીવાલની જુડિશ્યલ કસ્ટડી ૨૦ મે સુધી વધી
દિલ્હીની રાઉઝ ઍવન્યુ કોર્ટે અરવિંદ કેજરીવાલની જુડિશ્યલ કસ્ટડી ૨૦ મે સુધી વધારી દીધી હતી. ૨૩ એપ્રિલે કોર્ટે તેમની કસ્ટડી ૭ મે સુધી વધારી હતી. ગઈ કાલે ફરી તેમની કસ્ટડી વધારવામાં આવી છે. ૨૧ માર્ચે કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી અને ૧ એપ્રિલથી તેઓ તિહાડ જેલમાં બંધ છે.