મેનિફેસ્ટો બહાર પાડતા (Jammu and Kashmir Elections 2024), પાર્ટીના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, પાર્ટી ફક્ત તે જ વચનો આપી રહી છે જે તે પૂર્ણ કરી શકે છે. તેમણે મેનિફેસ્ટોને પાર્ટીનો વિઝન ડૉક્યુમેન્ટ અને શાસન માટેનો રોડમેપ ગણાવ્યો હતો.
ઓમર અબ્દુલ્લાની ફાઇલ તસવીર
નેશનલ કોન્ફરન્સે સોમવારે જાહેર કરેલા તેના મેનિફેસ્ટોમાં 12 `ગેરંટી`ની જાહેરાત કરી હતી. આમાં કલમ 370 અને જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir Elections 2024)ને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાના વચનોનો સમાવેશ થાય છે. મેનિફેસ્ટોમાં વર્ષ 2000માં તત્કાલિન વિધાનસભા દ્વારા પસાર કરાયેલ સ્વાયત્તતાના ઠરાવનો અમલ પણ સામેલ છે. જૂન 2000માં, ફારુક અબ્દુલ્લાની આગેવાની હેઠળની નેશનલ કોન્ફરન્સ સરકારે રાજ્યમાં 1953 પહેલાની બંધારણીય સ્થિતિને પુનઃસ્થાપિત કરવાની માગણી સાથે વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો હતો. જોકે, તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની કેન્દ્રીય કેબિનેટે તેને નકારી કાઢી હતી.