ફસાયેલા પ્રવાસીઓમાં 216 પુરુષો, 113 મહિલાઓ અને 54 બાળકો હતા અને તેમને ત્રણ અલગ-અલગ આર્મી કેમ્પમાં લઈ જવામાં આવ્યા હતા
પ્રતીકાત્મક તસવીર
ભારતીય સેના (Indian Army)ના જવાનોએ ઉત્તર સિક્કિમ (Sikkim)માં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન (Sikkim Landslide) બાદ 113 મહિલાઓ અને 54 બાળકો સહિત 500 પ્રવાસીઓને બચાવ્યા હતા. માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું કે શુક્રવારે ભારે વરસાદ બાદ ભૂસ્ખલનને કારણે રસ્તા બંધ થઈ ગયા હતા અને વાહન વ્યવહાર ખોરવાયો હતો, ત્યારબાદ લગભગ 500 પ્રવાસીઓ લાચુંગ અને લાચેન ખીણમાં ફસાયા હતા.
અધિકારીએ વધુમાં જણાવ્યું કે પ્રવાસીઓને બચાવ્યા બાદ સેનાના જવાનોએ તેમના રોકાવા અને રાત્રે આરામ માટે તેમની બેરેક આપી હતી. તેમણે કહ્યું કે તમામ મુસાફરોની મેડિકલ તપાસ માટે ત્રણ મેડિકલ ટીમ બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે ફસાયેલા પ્રવાસીઓમાં 216 પુરુષો, 113 મહિલાઓ અને 54 બાળકો હતા અને તેમને ત્રણ અલગ-અલગ આર્મી કેમ્પમાં લઈ જવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
`પર્યટકોને તમામ મદદ કરવામાં આવશે`
બચાવ બાદ એક મહિલાએ માથાનો દુખાવો અને ચક્કર આવવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ મહિલા મેડિકલ ઑફિસરની સાથે મેડિકલ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મહિલાને ICUમાં દાખલ કરવામાં આવી હતી. હાલ મહિલાની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. અધિકારીનું કહેવું છે કે શક્ય તેટલી વહેલી તકે વાહનોની અવરજવર માટે રસ્તો સાફ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી પ્રવાસીઓની આગળની યાત્રા માટે રસ્તો સાફ ન થાય ત્યાં સુધી તેમને તમામ સહાય આપવામાં આવશે.
આ પણ વાંચો: કર્ણાટકમાં શપથગ્રહણ સમારોહ માટે કૉન્ગ્રેસે કોને આમંત્રણ આપ્યું, કોને ન આપ્યું?
આ પહેલા પણ ભારતીય સેનાના જવાનોએ સિક્કિમમાં ભારે હિમવર્ષા વચ્ચે નાથુલા અને ત્સોમગો તળાવથી ગેંગટોક જવાના રસ્તે ફસાયેલા લગભગ 900 પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ અભિયાન ત્રિશક્તિ કોર્પ્સના જવાનો દ્વારા પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રની મદદથી કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક અસરથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરીને 900 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ સાથે આ ઓપરેશનને હિમરાહત નામ આપવામાં આવ્યું હતું.