સમગ્ર જ્ઞાનવાપી મસ્જિદ પરિસરનો આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા દ્વારા સર્વે કરાવવાની માગણી કરવામાં આવી
જ્ઞાનવાપી મસ્જિદ તસવીર સૌજન્ય મિડ-ડે
વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં જ્ઞાનવાપી મસ્જિદનો વિવાદ અયોધ્યાના શ્રીરામ મંદિરના માર્ગે જઈ રહ્યો હોય એમ જણાય છે. અયોધ્યાની જેમ જ કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ કેસમાં ચાર હિન્દુ મહિલાઓએ વારાણસી ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ અરજી કરીને સમગ્ર જ્ઞાનવાપી મસ્જિદ પરિસરનો આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા દ્વારા સર્વે કરાવવાની માગણી કરી હતી, જેથી આ મસ્જિદ ત્યાં પહેલાંથી રહેલા હિન્દુ મંદિરના માળખા પર બનાવવામાં આવી હતી કે નહીં એ જાણી શકાય.
આ અરજી નોંધપાત્ર છે, કેમ કે અલાહાબાદ હાઈ કોર્ટે ચાર દિવસ પહેલાં જ આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાને જ્ઞાનવાપી મસ્જિદના પ્રિમાઇસિસમાંથી મળેલા ‘શિવલિંગ’નો સાયન્ટિફિક સર્વે કરાવવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે જ્ઞાનવાપી મસ્જિદના પ્રિમાઇસિસમાં આ સ્વયંભૂ જ્યોતિર્લિંગ લાખો વર્ષોથી છે. જોકે, એને મુસ્લિમ ઘૂસણખોરો દ્વારા અનેક નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને કહ્યું હતું કે ‘હવે આ મામલે રામમંદિરની જેમ ઉકેલ આવવો જોઈએ. હવે આ મામલો માત્ર શિવલિંગનો નહીં, પરંતુ સમગ્ર જ્ઞાનવાપીનો છે. મંદિર તોડીને જ્ઞાનવાપી બનાવવામાં આવી છે. આજે પણ મસ્જિદની દીવાલો પર શંખ અને ત્રિશૂળ વગેરે એ વાતનો પુરાવો આપે છે કે મંદિરને તોડીને જ મસ્જિદ બનાવવામાં આવી હતી. શ્રીરામ મંદિરની જેમ જ અહીં પણ એ પ્રકારની વસ્તુઓ બહાર નીકળશે. જિલ્લા જજે અમારી અરજીનો સ્વીકાર કર્યો છે. તમામ પ્રાચીન પુસ્તકોથી આ જગ્યાએ શું હતું એ સ્પષ્ટ થાય છે.’