રાજધાનીના આનંદ વિહારમાં AQI ૫૩૨ સુધી પહોંચ્યો, જે WHOએ જાહેર કરેલી લિમિટ કરતાં ૬૫ ગણો વધારે છે
પ્રતીકાત્મક તસવીર
દિવાળીના બે દિવસ બાદ ગઈ કાલે દિલ્હીની હવા એ હદે ઝેરી થઈ હતી કે નૉર્મલ માણસના સ્વાસ્થ્ય પર એની અવળી અસર થાય. ગઈ કાલે સવારે પાંચ વાગ્યે દિલ્હીનો ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ (AQI) ૫૦૦ને પાર પહોંચી ગયો હતો. IQAIR નામની વેબસાઇટના જણાવ્યા મુજબ આખા દિલ્હીની ફરતે પ્રદૂષણને લીધે ધુમ્મસની ચાદર બની ગઈ હતી અને ૫૦૭ AQI નોંધવામાં આવ્યો હતો જે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)એ જાહેર કરેલી નિર્ધારિત લિમિટ કરતાં ૬૫ ગણો વધારે છે. શનિવાર સાંજથી ફક્ત ૧૨ કલાકમાં જ દિલ્હીના AQIમાં ૧૫૦ પૉઇન્ટનો વધારો થયો હતો. શનિવારે સવારે દિલ્હીમાં સારીએવી હવા ચાલતી હોવાથી AQIમાં સુધારો થયો હતો, પણ સાંજ સુધીમાં હવા બંધ થઈ ગઈ હતી. દિલ્હીના આનંદ વિહારમાં ગઈ કાલે સવારે AQI ૫૩૨ સુધી પહોંચી ગયો હતો. આવી હવામાં લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે. હેલ્થ-એક્સપર્ટોએ શ્વાસની બીમારી હોય એવા લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. આવા વાતાવરણમાં મૉર્નિંગ વૉક પણ ઍડ્વાઇઝબલ ન હોવાનું તેમનું કહેવું છે.
કયા AQIની કેવી અસર?
ADVERTISEMENT
૦-૫૦ : સારી. ભાગ્યે જ કોઈ વિપરીત અસર થાય.
૫૧થી ૧૦૦ : સંતોષકારક. સંવેદનશીલ વ્યક્તિને શ્વાસ લેવામાં નજીવી તકલીફ થઈ શકે.
૧૦૧થી ૨૦૦ : થોડી ખરાબ. અસ્થમા, હાર્ટની અને ફેફસાંની તકલીફ ધરાવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે.
૨૦૧થી ૩૦૦ : ખરાબ. ઘણા સમય સુધી આવા વાતાવરણમાં રહેવાથી મોટા ભાગના લોકોને શ્વાસની તકલીફ થઈ શકે.
૩૦૧થી ૪૦૦ : બહુ ખરાબ. લાંબા સમય સુધી આવા વાતાવરણમાં રહેવાથી શ્વસનને લગતી બીમારી થઈ શકે.
૪૦૧થી ૫૦૦ : ગંભીર. સ્વસ્થ લોકોને પણ અસર કરે અને જેને કોઈ બીમારી હોય એવી વ્યક્તિ પર તો આવા વાતાવરણની ગંભીર અસર થઈ શકે છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦