અપોલો હૉસ્પિટલ મ્યાનમારના ગરીબો પાસેથી કિડની લઈને ધનવાન દેશોના લોકોને વેચી રહી હોવાનો આરોપ, તપાસનો આદેશ અપાયો
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હી : અપોલો હૉસ્પિટલ્સની દિલ્હીમાં મુખ્ય ફેસિલિટી-ઇન્દ્રપ્રસ્થ અપોલો હૉસ્પિટલ ઇન્ટરનૅશનલ ‘કિડનીના બદલામાં કૅશ’ રૅકેટનું સેન્ટર હોવાનો ગંભીર આરોપ એક મીડિયા રિપોર્ટમાં મૂકવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે મ્યાનમારથી ગરીબ લોકો દિલ્હીમાં આવે છે અને તેમની કિડનીના બદલામાં ૮૦થી ૯૦ લાખ રૂપિયા મેળવે છે. ગેરકાયદે ખરીદવામાં આવેલી આ કિડનીઓ યુકે સહિત દુનિયાભરના ધનવાન પેશન્ટ્સને વેચવામાં આવી રહી છે. અપોલો હૉસ્પિટલ્સે આ મીડિયા રિપોર્ટને ફગાવ્યો છે. જોકે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હેઠળના નૅશનલ ઑર્ગન ઍન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન ઑર્ગેનાઇઝેશને આ મામલે તપાસનો આદેશ આપ્યો છે.
આ સરકારી એજન્સીના ડિરેક્ટર ડૉ. અનિલ કુમારે દિલ્હી સરકારમાં મુખ્ય સચિવ (હેલ્થ)ને લેટર લખીને આ મામલાની તપાસ કરીને યોગ્ય પગલાં લેવા જણાવ્યું છે. એટલું જ નહીં, શું પગલાં લીધાં એની વિગતો આપતો એક રિપોર્ટ એક અઠવાડિયામાં રજૂ કરવા પણ જણાવ્યું છે. આ મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે આ રૅકેટમાં વ્યાપકપણે છેતરપિંડી કરવામાં આવે છે, જેમાં ‘ફેમિલી’ ફોટોગ્રાફ્સનો પણ સમાવેશ થાય છે. સરકારી ડૉક્યુમેન્ટ્સમાં ડોનર અને અંગ મેળવનાર વચ્ચે સંબંધ હોવાનું ખોટી રીતે પુરવાર કરવામાં આવે છે. ડોનરને આપવામાં આવતા રૂપિયાને ‘થૅન્ક યુ પેમેન્ટ’ તરીકે બતાવવામાં આવે છે.