Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > બળાત્કાર અને હત્યાના કેસમાં ૨૧ દિવસમાં તપાસ પૂરી કરવાની અને ચાર્જશીટ દાખલ થાય એના ૩૬ દિવસમાં જ મોતની સજા

બળાત્કાર અને હત્યાના કેસમાં ૨૧ દિવસમાં તપાસ પૂરી કરવાની અને ચાર્જશીટ દાખલ થાય એના ૩૬ દિવસમાં જ મોતની સજા

04 September, 2024 10:16 AM IST | West Bengal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બળાત્કારવિરોધી અપરાજિતા બિલ : BJPએ કહ્યું કે આ તો લોકોની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ, BNSમાં આ બધી જોગવાઈઓ છે

ગઈ કાલે અપરાજિતા બિલ રજૂ કર્યા પછી બોલતાં મમતા બૅનરજી.

ગઈ કાલે અપરાજિતા બિલ રજૂ કર્યા પછી બોલતાં મમતા બૅનરજી.


કલકત્તાની આર. જી. કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં ૯ ઑગસ્ટે બનેલી બળાત્કાર અને હત્યાની ઘટનાના પગલે પશ્ચિમ બંગાળમાં ઊભા થયેલા વિરોધને ખાળવા મમતા બૅનરજી સરકારે બે દિવસના બોલાવેલા વિધાનસભાના વિશેષ સત્રમાં બળાત્કારવિરોધી બિલ રજૂ કરીને સર્વાનુમતે મંજૂર કર્યું હતું. કાયદાપ્રધાન મલય ઘટકે અપરાજિતા વુમન ઍન્ડ ચાઇલ્ડ બિલ (વેસ્ટ બેન્ગૉલ ક્રિમિનલ લૉ ઍન્ડ અમેન્ડમેન્ટ બિલ) ૨૦૨૪ રજૂ કર્યું હતું.


મમતા બૅનરજીએ આ બિલને ઐતિહાસિક અને દાખલારૂપ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ‘આ બિલ રજૂ કરાતાં હું ખૂબ ભાવુક છું. કેન્દ્ર સરકારના કાયદામાં રહેલી ખામીઓને આ બિલ દ્વારા દૂર કરવામાં આવશે.’



મમતા બૅનરજીએ હાથરસ, ઉન્નાવ અને બુલંદશહરમાં થયેલી બળાત્કારની ઘટનાઓનો ઉલ્લેખ કરતાં BJPના સભ્યોએ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. આને પગલે વિધાનસભામાં ધાંધલધમાલનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં અને તેમણે મમતા બૅનરજીના રાજીનામાની માગણી કરી હતી. વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ કહ્યું હતું કે ‘ભારતીય ન્યાય સંહિતા (BNS)માં આ બધી જોગવાઈઓ છે. આ તો લોકોની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કલકત્તાની ઘટનાથી લોકોનું ધ્યાન બીજે વાળવાના ભાગરૂપે આ બિલ લાવવામાં આવ્યું છે.’


આ બિલમાં વિપક્ષી BJPએ જે સુધારાની માગણી કરી હતી એ તમામને ફગાવી દેવામાં આવી હતી. આ મુદ્દે સુવેન્દુ અધિકારીએ કહ્યું હતું કે જો સરકાર મહિલાઓની સલામતી ઇચ્છતી હોય તો આ બિલ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે એવી અમારી માગણી છે. આ મુદ્દે મમતા બૅનરજીએ વળતો જવાબ આપતાં કહ્યું હતું કે જો BJP આ બિલ તાત્કાલિક અસરથી અમલમાં લાવવા માગતી હોય તો એણે ગવર્નરને તાત્કાલિક હસ્તાક્ષર કરવા કહેવું જોઈએ.

બિલમાંથી કાયદો બનવો આસાન નથી


જો કોઈ એમ વિચારતું હોય કે પશ્ચિમ બંગાળ વિધાનસભાએ અપરાજિતા બિલ મંજૂર કરી દીધું છે એટલે કાયદો બની જશે તો એ ભૂલભરેલું છે. આ બિલ વિધાનસભામાંથી મંજૂરી મળ્યા બાદ ગવર્નરને મોકલવામાં આવશે અને તેઓ જ્યારે હસ્તાક્ષર કરશે પછી એને રાષ્ટ્રપતિની મંજૂરી માટે નવી દિલ્હી મોકલવામાં આવશે. ગવર્નર અને રાષ્ટ્રપતિની મંજૂરી મળવી એટલી આસાન નથી. ૨૦૧૯માં આંધ્ર પ્રદેશ વિધાનસભાએ દિશા-બિલ અને ૨૦૨૦માં મહારાષ્ટ્ર વિધાનસભાએ શક્તિ-બિલ મંજૂર કર્યાં હતાં, જેમાં તમામ પ્રકારના બળાત્કાર અને ગૅન્ગરેપના કેસમાં એકમાત્ર ફાંસીની સજાની જોગવાઈ હતી. બન્ને રાજ્યોએ આ બિલ સર્વાનુમતે મંજૂર કર્યાં હતાં, પણ આજ દિવસ સુધી એને રાષ્ટ્રપતિની મંજૂરી મળી નથી. આનાથી ખબર પડે છે કે આવા કાયદા બનાવવા કેટલા મુશ્કેલ છે.

વડા પ્રધાન, ગૃહપ્રધાન રાજીનામાં આપે : મમતા બૅનરજી

અપરાજિતા બિલ પર ચર્ચા કરતી વખતે મુખ્ય પ્રધાન મમતા બૅનરજીએ મહિલાઓની સલામતીને લગતા કાયદાના અસરકારક અમલીકરણ નહીં કરવાના મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનોનાં રાજીનામાંની માગણી કરી હતી. બિલ રજૂ થયા બાદ મમતા બૅનરજીએ કહ્યું હતું કે ‘આ બિલ તત્કાળ તપાસ, ઝડપી ન્યાય અને દોષીને સજાની જોગવાઈ કરે છે. બળાત્કાર એ માનવતા પર શ્રાપ સમાન છે અને આવા ગુના અટકવા જોઈએ. આ બિલ હાલના કેન્દ્રીય કાયદામાં રહેલી છટકબારીઓને બંધ કરશે અને પીડિતાને ઝડપી ન્યાય મળશે.’  આ મુદ્દે વિપક્ષી સભ્યોએ મમતા બૅનરજીના રાજીનામાની માગણી કરી ત્યારે તેમણે કહ્યું કે ‘તમે જે મુદ્દે મારા વિરોધમાં સૂત્રોચ્ચાર કરો છો એવી માગણી વડા પ્રધાન અને ગૃહપ્રધાન સામે કરો. ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં મહિલાઓ સામે પશ્ચિમ બંગાળ કરતાં વધારે ગુનો નોંધાય છે, અહીં તેમને ન્યાય મળે છે. BNSનો ડ્રાફ્ટ તૈયાર કરતી વખતે પશ્ચિમ બંગાળને પૂછવામાં આવ્યું નહોતું.’

Whatsapp-channel Whatsapp-channel

04 September, 2024 10:16 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK