અનંતનાગ જિલ્લામાં પહાડની ટોચ પર રહેલા આતંકવાદીઓનો ખાતમો બોલાવવા સિક્યૉરિટી ફોર્સ માટે પહાડ જેવી મુશ્કેલીઓ
અનંતનાગ જિલ્લામાં ગઈ કાલે કોકેરનાગ એરિયામાં આતંકવાદીઓ સાથેની અથડામણના સ્થળે તહેનાત સુરક્ષા દળના જવાનો (તસવીર : પી.ટી.આઇ.)
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદીઓનો ખાતમો બોલાવવા માટેનું એન્કાઉન્ટર ખૂબ લાંબું ચાલ્યું છે. એક તરફ જંગલ અને પહાડ અને બીજી તરફ ઊંડી ખીણની વચ્ચે સિક્યૉરિટી ફોર્સિસ ફસાયા છે. આતંકવાદીઓની પાસે ભરપૂર પ્રમાણમાં હથિયારો, વિસ્ફોટક સામગ્રી, ફૂડ અને સાથે જ એ વિસ્તારની સારી સમજ પણ છે. આતંકવાદીઓ પહાડની ટોચ પર એક ગુફામાં છુપાયા છે અને ત્યાં જવા માટે એકમાત્ર સાંકડો રૂટ છે અને એ પણ ખૂબ જોખમી છે. આખરે આ એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર મરાયો હોવાના રિપોર્ટ્સ છે.
સોર્સિસે જણાવ્યું કે ફોર્સિસને મંગળવારે રાત્રે કોકેરનાગનાં જંગલોમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી, જેના પગલે સર્ચ ઑપરેશન શરૂ કરાયું હતું. જોકે આતંકવાદીઓ મળ્યા નહીં. એ પછી આર્મી અને પોલીસની જૉઇન્ટ ટીમને માહિતી મળી કે આતંકવાદીઓ પહાડની ટોચ પર છે.
ADVERTISEMENT
બુધવારે વહેલી સવારે ફોર્સિસે આતંકવાદીઓ પર હુમલો કરવાનું નક્કી કર્યું. આ પહાડની ટોચ પર જવું ખૂબ પડકારજનક છે. એ ખૂબ સાંકડો રસ્તો છે. એક બાજુ જંગલ અને પહાડો છે અને બીજી બાજુ ઊંડી ખીણ છે.
આ ફોર્સિસ ગુફા પાસે પહોંચ્યા ત્યારે આતંકવાદીઓએ તેમને સ્પષ્ટ જોયા અને તેમણે અંધાધૂંધ ગોળીબાર કરવાનું શરૂ કર્યું હતું. સાંકડા રસ્તામાં ફસાયેલા ફોર્સિસની પાસે કોઈ કવર નહોતું. તેઓ વળતો ગોળીબાર કરી શકે એમ પણ નહોતા. જેના લીધે જાનહાનિ થઈ.
હવે ફોર્સિસે આ પહાડને ઘેરી લીધો છે. ડ્રોન્સનો ઉપયોગ કરીને વિસ્ફોટો કરવામાં આવી રહ્યા છે, રૉકેટ લૉન્ચર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
સોર્સિસ અનુસાર આતંકવાદીઓની સંખ્યા ત્રણ કરતાં પણ વધારે હોવાની શક્યતા છે, જેમાં લશ્કર-એ-તય્યબામાં ગયા વર્ષે જોડાનારો ઉઝૈર ખાન પણ છે. તેની પાસે એ એરિયાની સંપૂર્ણ વિગતો છે.
સોર્સિસે એમ પણ જણાવ્યું હતું કે સામાન્ય આતંકવાદીઓ આટલા લાંબા સમય સુધી આર્મીનો સામનો ન કરી શકે. તેમને ખૂબ જ સારી ટ્રેઇનિંગ મળી છે અને તેમની પાસે પાવરફુલ હથિયારો છે. એવી પણ શક્યતા છે કે બાતમીદારે ફોર્સિસની સાથે વિશ્વાસઘાત કર્યો હોય કે કોઈએ ફોર્સિસની મૂવમેન્ટને લીક કરી દીધી હોઈ શકે છે.