ઍર ઇન્ડિયા એક્સપ્રેસની અબુ ધાબીથી કોઝિકોડ માટેની ફ્લાઇટ પાછી અબુ ધાબી ઍરપોર્ટ પર લૅન્ડ થઈ હતી.
પ્રતીકાત્મક તસવીર
કાલિકટ: ઍર ઇન્ડિયા એક્સપ્રેસની અબુ ધાબીથી કોઝિકોડ માટેની ફ્લાઇટ પાછી અબુ ધાબી ઍરપોર્ટ પર લૅન્ડ થઈ હતી. ગઈ કાલે ઉડાન બાદ તરત જ એના એક એન્જિનમાં આગ લાગી હોવાનું ધ્યાનમાં આવતાં એનું ઇમર્જન્સી લૅન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઍર ઇન્ડિયા એક્સપ્રેસે જણાવ્યું હતું કે આ પ્લેન સુરક્ષિત રીતે લૅન્ડ થયું હતું અને તમામ પૅસેન્જર્સ સેફ છે. ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (ડીજીસીએ)એ ગઈ કાલે જણાવ્યું હતું કે આ ફ્લાઇટમાં ૧૮૪ પૅસેન્જર્સ હતા.
ડીજીસીએએ એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘ઍર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ આઇએક્સ 348 (અબુ ધાબી-કાલિકટ) ઑપરેટ કરતું બી737-800 વીટી-એવાયસી પ્લેન એક હજાર ફુટની ઊંચાઈએ પસાર થઈ રહ્યું હતું ત્યારે એના એક એન્જિનમાં આગ લાગવાને કારણે એણે પાછા ફરવું પડ્યું હતું.’ ડીજીસીએએ આ ઘટનાની તપાસ માટે ઑર્ડર આપ્યો છે.
આ પહેલાં ૨૩મી જાન્યુઆરીએ ઍર ઇન્ડિયા એક્સપ્રેસની ત્રિવેન્દ્રમથી મસ્કતની ફ્લાઇટે ઉડાન ભર્યાની ૪૫ મિનિટ બાદ ટેક્નિકલ ખામીને કારણે પાછા ફરવું પડ્યું હતું.