પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘રાજકીય લાભ મેળવવા માટે કેન્દ્રની બીજેપી અને પંજાબની ‘આપ’ સરકાર પંજાબીઓને બદનામ કરી રહી છે
હરસિમરતકૌર બાદલ
પંજાબની વર્તમાન સ્થિતિ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર જવાબદાર હોવાનો આરોપ અકાલી દળનાં સંસદસભ્ય અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન હરસિમરતકૌર બાદલે મૂક્યો હતો. તેમણે રાજ્યની ‘આપ’ સરકાર નિષ્ફળ રહી હોવાથી એને બરખાસ્ત કરી નવેસરથી ચૂંટણી યોજવા માટે કહ્યું હતું. પંજાબની વર્તમાન સ્થિતિ માટે ભગવંત માન અને કેજરીવાલ સામે ફરિયાદ થવી જોઈએ. પંજાબના ગાયક સિધુ મૂસેવાલની હત્યાને એક વર્ષ થઈ ગયું, એના પેરન્ટ્સ વિધાનસભાની બહાર બેઠાં છે, પરંતુ મુખ્ય પ્રધાન ભગવંત માન તેમને એક વખત પણ મળ્યા નથી. પંજાબની વર્તમાન સ્થિતિ માટે કેજરીવાલ અને માન જવાબદાર છે. અજનાલામાં પંજાબ પોલીસના જવાનો પર હુમલા કરનારાઓ સામે પગલાં કેમ લેવામાં નહોતાં આવ્યાં. પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘રાજકીય લાભ મેળવવા માટે કેન્દ્રની બીજેપી અને પંજાબની ‘આપ’ સરકાર પંજાબીઓને બદનામ કરી રહી છે. જે લોકો આજે અમ્રિતપાલના કનેક્શન વિશે સવાલ ઉઠાવી રહ્યા છે એ લોકો જ્યારે તે છ મહિનાથી ફરતો હતો ત્યારે ક્યાં હતા. શું કેન્દ્રની ગુપ્તચર સંસ્થા એ સમયે સૂતી હતી. રાજ્ય સરકારે એની સામે એક મહિના પહેલાં કાર્યવાહી કેમ શરૂ ન કરી.’
કેજરીવાલની ટીકા કરતાં બાદલે કહ્યું હતું કે તેમણે પંજાબના લોકો પાસેથી એક તક માગી, પરંતુ હાલની સ્થિતિ વિશે મૌન છે. પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન વિશે વાત કરતાં કહ્યું કે કેજરીવાલે એક અસમર્થ વ્યક્તિને રાજ્યનો મુખ્ય પ્રધાન બનાવ્યો છે.