નવાડામાં એક રૅલીને સંબોધતાં ગૃહપ્રધાન અમિત શાહે આ વાત જણાવી
નવાડામાં ગઈ કાલે એક જાહેર રૅલીને સંબોધતાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ. તસવીર પી.ટી.આઇ.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે બિહારમાં કોમી હિંસાને કન્ટ્રોલ કરવામાં નિષ્ફળતા બદલ નીતીશકુમારના નેતૃત્વવાળી રાજ્યની મહાગઠબંધન સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે જો ૨૦૨૫માં બીજેપી આ રાજ્યમાં સત્તા પર આવશે તો તોફાની તત્ત્વોને ઊલટા લટકાવવામાં આવશે.
નવાડા જિલ્લામાં હિસુઆમાં એક રૅલીને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ‘મારે સાસારામ જવાનું હતું. મહાન સમ્રાટ અશોકની જન્મજયંતી નિમિત્તે એક ભવ્ય સંમેલન યોજાવાનું હતું. જોકે કમનસીબે સાસારામમાં લોકોને મારવામાં આવી રહ્યા છે. ગોળીઓ મારવામાં આવી રહી છે, ટિયરગૅસ છૂટી રહ્યા છે. હું ત્યાં જઈ શક્યો નથી. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે બિહારમાં જલદીથી શાંતિ જળવાય. રાજ્ય સરકારને કહેવાનો કોઈ અર્થ નથી. મેં રાજ્યપાલને કૉલ કર્યો હતો ત્યારે લલન સિંહ (જેડી-યુ)ના અધ્યક્ષને ખોટું લાગ્યું. તેમણે કહ્યું કે બિહારની ચિંતા શા માટે કરો છો. હું તેમને કહેવા માગું છું કે હું દેશનો ગૃહપ્રધાન છું, બિહારની કાયદાવ્યવસ્થા પણ દેશનો એક ભાગ છે. તમે સ્થિતિને સંભાળી શકતા નથી એટલા માટે અમે ચિંતા કરીએ છીએ.’
ADVERTISEMENT
બિહારના શાસકોની ટીકા કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘જે સરકારમાં જંગલ રાજના પ્રણેતા લાલુ પ્રસાદ યાદવની પાર્ટી સામેલ હોય એ સરકાર બિહારમાં શાંતિ લાવી શકે છે? નીતીશબાબુ (બિહારના સીએમ), સત્તાની ભૂખે તમને લાલુ પ્રસાદના ખોળે બેસવા માટે મજબૂર કરી દીધા છે, અમારી કોઈ મજબૂરી નથી. અમે બિહારના લોકો સુધી પહોંચીશું અને તેમનામાં જાગૃતિ લાવીશું. આ મહાગઠબંધનની સરકારને ઉખાડીને ફેંકી દઈશું.’