સમયસર પગલાં લેવામાં આવ્યાં હોત તો ઘણા લોકોના જીવ બચાવી શકાયા હોત
વાયનાડ જિલ્લામાં ગઈ કાલે ઠેકઠેકાણે બચાવકાર્ય ચાલુ હતું.
સંસદમાં ગૃહપ્રધાન અમિત શાહે ગઈ કાલે દાવો કર્યો હતો કે કેરલામાં ભૂસ્ખલનની ચેતવણી એક અઠવાડિયા પહેલાં કેરલા સરકારને આપવામાં આવી હતી અને જો સમયસર પગલાં લેવામાં આવ્યાં હોત તો ઘણા લોકોના જીવ બચાવી શકાયા હોત.
કેરલાના વાયનાડમાં ભૂસ્ખલનથી ૧૫૦થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે અને ૨૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ૧૮૦ લોકો ગુમ થયા છે અને આશરે ૩૦૦૦થી વધારે લોકોને રાહત કૅમ્પોમાં રાખવામાં આવ્યા છે.
ADVERTISEMENT
આ મુદ્દે અમિત શાહે રાજ્યસભામાં કહ્યું હતું કે ‘કેરલામાં ભારે વરસાદની આગાહીના પગલે કેન્દ્ર સરકારે નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF)ની નવ ટુકડીઓ એક અઠવાડિયા પહેલાં મોકલી આપી હતી. પિનરાઈ વિજયન સરકારે ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાંથી આ ટીમો દ્વારા લોકોનું સ્થળાંતર કરાવ્યું નહોતું. જો આમ થયું હોત તો ઘણા લોકોના જીવ બચી શક્યા હોત. ભારત એ ચાર દેશમાં સ્થાન ધરાવે છે જે કુદરતી આફતોની આગાહી એક અઠવાડિયા પહેલાં કરી શકે છે અને આ મુદ્દે ચેતવણી આપી શકે છે. જોકે વાયનાડની દુર્ઘટના બાદ કેન્દ્રની મોદી સરકાર કેરલા સરકારની સાથે પહાડની જેમ ઊભી છે.’
કેન્દ્ર સરકાર પોતાની જવાબદારીમાંથી છટકીને બીજાને બ્લેમ ન કરી શકે: કેરલાના મુખ્ય પ્રધાન
અમિત શાહના સ્ટેટમેન્ટ વિશે પ્રતિક્રિયા આપતાં કેરલાના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને કહ્યું હતું કે ‘કેન્દ્ર સરકારે એ વાત સમજવી પડશે કે ક્લાયમેટ-ચેન્જ બહુ જ સિરિયસ ઇશ્યુ છે. અત્યારે જે રીતનો વરસાદ પડી રહ્યો છે એ આપણે ભૂતકાળમાં ક્યારેય જોયો છે? આપણે ક્લાયમેટ-ચેન્જનો સામનો કરવા માટે જરૂરી પગલાં લેવાની જરૂર છે. જ્યારે પણ આવું કંઈ થાય ત્યારે તમે (કેન્દ્ર સરકાર) પોતાની જવાબદારીમાંથી છટકીને બીજાને બ્લેમ ન કરી શકો. મને નથી લાગતું કે આ સમય એકબીજા પર દોષ નાખવાનો છે.’
મૃતદેહો સૂતેલા, બેસેલી પોઝિશનમાં મળ્યા
કેરલામાં વાયનાડના મુંડાકાઈ વિસ્તારમાં બચાવ-કર્મચારીઓને ગઈ કાલે સવારે અનેક ઘરોમાંથી મૃતદેહો બેસેલી અથવા સૂતેલી અવસ્થામાં મળી આવ્યા હતા. અનેક સ્થળે પતરાંના બનેલાં ઘર આખા કાદવમાં ડૂબી ગયાં હતાં અને આર્મીના જવાનોને પતરાં કાપીને ઘરમાં જવાનો વારો આવ્યો હતો. ઘણાં ઘરોમાં મૃતદેહો ખુરશીમાં બેસેલી અવસ્થામાં જોવા મળ્યા હતા.
સર્વાઇવરોની સ્ટોરી આંખમાં આંસુ લાવે છે
વાયનાડમાં મધરાત બાદ ત્રાટકેલા કુદરતી કેરમાંથી બચી ગયેલા એક સર્વાઇવર જયેશે જણાવ્યું હતું કે ‘રાતે દોઢ વાગ્યે એકાએક મોટો અવાજ આવ્યો હતો અને અમારા ઘરની સામેનાં ઘર પત્તાંના મહેલની જેમ પડવા લાગ્યાં હતાં. અમને એવું લાગતું હતું કે આખો પહાડ અમારા ઉપર આવશે. એ સમયે અમે મૃત્યુ સામે બાથ ભીડી રહ્યા હતા. અમારી ચોતરફ ખાલી કાદવ હતો અને અમે એમાંથી બહાર નીકળી શકવાની સ્થિતિમાં નહોતા. મારી પત્નીના ઘરના ૯ સભ્યો ગુમ છે. બે મૃતદેહ મળ્યા છે. બીજું ભૂસ્ખલન ૩.૩૦ વાગ્યે થયું હતું અને આશરે ૨૦૦ ઘર એની ચપેટમાં આવી ગયાં હતાં. અમારા ગામમાં હું, મારી પત્ની, મારો પુત્ર અને બીજા બે જણ જ જીવતા બચ્યાં છીએ. ૫.૩૦ વાગ્યે ત્રીજું ભૂસ્ખલન થયું હતું અને એમાં અમારું સઘળું તણાઈ ગયું હતું. અમે તમામ દસ્તાવેજો ગુમાવી દીધા હતા. અમને ખબર નથી કે અમે ક્યાં જઈશું, ક્યાં રહીશું.’