વકીલે અદાલતમાં શ્રીલંકાનું ઉદાહરણ આપીને એનો વિરોધ કર્યો
પ્રતીકાત્મક તસવીર
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં પૉલિટિકલ પાર્ટીઓ તરફથી ચૂંટણીઓ પહેલાં ફ્રીમાં સુવિધાઓ પૂરી પાડવાનાં વચનો એટલે કે રેવડી-કલ્ચર મામલે સુનાવણી થઈ હતી, જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે જનપ્રતિનિધિત્વ કાયદા હેઠળ આ લાંચ છે કે જે ચૂંટણીને અમાન્ય જાહેર કરવાનો આધાર છે.
ત્રણ જસ્ટિસની બેન્ચ સિનિયર ઍડ્વોકેટ અશ્વિની કુમાર દુબે અને સિનિયર ઍડ્વોકેટ વિજય હંસારિયા દ્વારા કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરી રહી હતી, જેમાં ઇલેક્શન દરમ્યાન પાર્ટીઓ તરફથી કરવામાં આવતાં આ પ્રકારનાં વચનોનો વિરોધ કરવામાં આવ્યો છે. અરજીઓમાં ચૂંટણી પંચ દ્વારા આ પાર્ટીઓનાં ચૂંટણી પ્રતીકોને જપ્ત કરવામાં આવે અને તેમનું રજિસ્ટ્રેશન રદ કરાય એવી માગણી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
વિજય હંસારિયાએ શ્રીલંકાનું ઉદાહરણ આપ્યું હતું કે જે નાદાર થયું હતું. તેમણે કહ્યું હતું કે ‘જો રાજકીય શાસન ફ્રીમાં સુવિધાઓ પૂરી પાડવાથી બચ્યું હોત તો એ દેશને નાદારીથી બચાવી શકાયો હોત. ટૅક્સપેયર્સના રૂપિયાનો ઉપયોગ ફ્રીમાં વસ્તુઓ અને સુવિધાઓ આપવા માટે થઈ રહ્યો છે અને શાસક પાર્ટીઓ આવાં પ્રૉમિસ આપવાની યોગ્ય સ્થિતિમાં છે.’
આમ આદમી પાર્ટી સહિત કેટલીક પાર્ટીઓએ આ અરજીઓનો વિરોધ કર્યો છે.