Allahabad High Court Statement Sparks Controversy: 11 વર્ષની પીડિતાનું નાડું તોડ્યું અને પુલ નીચે ખેંચવાનો પ્રયાસ કર્યો, તેમ છતાં હાઈકોર્ટનું માનવું છે કે આ દુષ્કર્મનો પ્રયાસ નથી, માત્ર ગંભીર યૌન શોષણ કે ફક્ત પ્રિપેરેશન સ્ટેજ છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, અલ્હાબાદ હાઈ કોર્ટે રેપના આરોપોને નવા દ્રષ્ટિકોણથી જોયા છે. આ મામલો ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લાના પટિયાલી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં બે યુવકો પવન અને આકાશ પર 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
કોર્ટનો ચુકાદો અને કેસની પૃષ્ઠભૂમિ
આ મામલામાં ટ્રાયલ કોર્ટે અગાઉ આરોપીઓ વિરુદ્ધ IPCની કલમ 376 (બળાત્કાર) અને પોક્સો એક્ટની (Protection of Children from Sexual Offences Act) કલમ 18 (ગુનો કરવા માટેનો પ્રયાસ) હેઠળ કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો. જોકે, આરોપીઓએ આ ચુકાદા સામે હાઈ કોર્ટમાં પુનરીક્ષણ અરજી દાખલ કરી હતી. આ અરજીમાં આરોપીઓએ દલીલ કરી હતી કે ફરિયાદમાં ઉલ્લેખિત ઘટનાની વિગતો પ્રમાણે આ ઘટના બળાત્કારનો પ્રયાસ ગણાવી શકાતી નથી અને આ કેસ માત્ર IPCની કલમ 354 (B) (કપડા ઉતારવાના આશયથી હુમલો કરવો) અને પોક્સો એક્ટની કલમ 9/10 (ગંભીર યૌન શોષણ) હેઠળ જ આવી શકે છે.
ADVERTISEMENT
હાઈ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્દેશ
આ કેસ પર સુનાવણી દરમિયાન હાઈ કોર્ટના ન્યાયમૂર્તિ રામમનોહર નારાયણ મિશ્રાએ જણાવ્યું કે, આક્ષેપો માત્ર "પ્રિપેરેશન સ્ટેજ" સુધીના છે અને એમાંથી "વાસ્તવિક પ્રયાસ" કે "ઍકચુઅલ અટેમ્પ્ટ" સાબિત થતો નથી. ન્યાયમૂર્તિએ નોંધ્યું કે, બળાત્કારના પ્રયાસનો આરોપ લગાવવા માટે ફરિયાદ પક્ષે સાબિત કરવું આવશ્યક છે કે આરોપીઓની "પ્રિપેરેશન સ્ટેજ" થી આગળ વધી ગયા હતા અને બળાત્કારનો આતુર પ્રયાસ કરી રહ્યા હતા. ન્યાયમૂર્તિએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, "પ્રિપેરેશન અને વાસ્તવિક પ્રયાસ વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે વાસ્તવિક પ્રયાસ માટે વધુ મજબૂત નિર્ધાર અને ઈરાદો હોવો જરૂરી છે."
કોર્ટ દ્વારા આરોપોમાં સુધારો
કોર્ટે આ મામલામાં ટિપ્પણી કરતા કહ્યું કે, આકાશે પીડિતાની પાયજામાનું નાડું તોડ્યું હતું અને તેને પુલની નીચે ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સાક્ષીઓએ એવું ક્યાંય પણ જણાવ્યું નથી કે આ ઘટનાને કારણે પીડિતા નગ્ન થઈ ગઈ હતી અથવા તેના કપડાં ઉતરી ગયા હતા. હાઈ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે, એવા કોઈ આક્ષેપો નથી કે આરોપીઓએ પીડિત પર પેનિટ્રેટિવ અસોલ્ટ (Penetrative Assault) કરવાનો પ્રયાસ કર્યો.
નવા એક્ટ હેઠળ સમન્સ
આ સમગ્ર મુદ્દાને ધ્યાનમાં રાખીને હાઈ કોર્ટે નિચલી અદાલતને આદેશ આપ્યો કે IPCની કલમ 376 (બળાત્કાર) અને પોક્સો એક્ટની કલમ 18 (બળાત્કારનો પ્રયાસ) હટાવીને IPCની કલમ 354 (B) અને પોક્સો એક્ટની કલમ 9/10 હેઠળ સમન આદેશ જાહેર કરવામાં આવે. આ સમગ્ર ઘટના 2021માં બની હતી જ્યારે પવન અને આકાશે 11 વર્ષની બાળકીની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીને લિફ્ટ આપીને તેઓએ આ શરમજનક હરકત કરી હતી. જોકે, રસ્તા પરથી પસાર થતાં લોકોએ આ ઘટના જોયા બાદ આરોપીઓને ત્યાંથી ભાગવું પડ્યું હતું.

