કૉન્ગ્રેસનાનેતાની બેવડી નાગરિકતા મુદ્દે કેન્દ્રને હાઈ કોર્ટે ખખડાવીને કહ્યું કે ૮ નહીં ૪ અઠવાડિયાંમાં નક્કી કરો
રાહુલ ગાંધી
કૉન્ગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલી વધી છે, જેમાં રાહુલ ગાંધીની બેવડી નાગરિકતાને પડકારતી અરજીની અલાહાબાદ હાઈ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. અલાહાબાદ હાઈ કોર્ટની લખનઉ બેન્ચે રાહુલ ગાંધીની નાગરિકતાના મુદ્દે નિર્ણય લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયને ચાર અઠવાડિયાંનો સમય આપ્યો છે. ગૃહમંત્રાલયે રાહુલ ગાંધીની નાગરિકતા વિશે રિપોર્ટ રજૂ કરવા માટે આઠ અઠવાડિયાંનો સમય માગ્યો હતો, પરંતુ અલાહાબાદ હાઈ કોર્ટે આ વિનંતીને ફગાવી દીધી હતી. હવે આ કેસની આગામી સુનાવણી ૨૧ એપ્રિલે થશે.
કર્ણાટકના સામાજિક કાર્યકર્તા એસ. વિજ્ઞેશ શિશિરે જનહિતની અરજી દાખલ કરી હતી. એ અરજી અનુસાર રાહુલ ગાંધી ભારત અને બ્રિટન બન્ને દેશના નાગરિક છે એટલે બંધારણના અનુચ્છેદ 84(A) હેઠળ ચૂંટણી લડવા માટે અયોગ્ય છે. તેમણે બ્રિટનની નાગરિકતા છુપાવીને રાયબરેલીથી ચૂંટણી લડી છે, એના માટે તેમનું સંસદસભ્ય પદ રદ કરવું જોઈએ તથા ભારતીય નાગરિકતા અધિનિયમ 9(2) હેઠળ રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા પણ રદ કરવી જોઈએ એવી માગણી અરજીમાં કરવામાં આવી છે.

