Social Media, OTT પ્લેટફૉર્મ્સ માટે નવી ગાઇડલાન્સ, જાણો વધુ
તસવીર સૌજન્ય એએફપી
કેન્દ્ર સરકારે આજે સોશિયલ મીડિયા અને ઑવર ધ ટૉપ (OTT)પ્લેટફૉર્મ્સ માટે ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર અને રવિશંકર પ્રસાદે બપોરે બે વાગ્યે પ્રેસ કૉન્ફરન્સમાં રેગ્યુલેશન્સની જાહેરાત કરી. નવી ગાઇડલાઇન્સના વિસ્તારમાં ફેસબુક, ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ અને નેટફ્લિક્સ, એમેઝૉન પ્રાઇમ, હૉટસ્ટાર જેવા ઓટીટી પ્લેટફૉર્મ્સ આવશે. જાવડેકરે પહેલા કહ્યું હતું કે આ સંબંધે દિશાનિર્દેશ તૈયાર કરી દેવામાં આવ્યા છે, ટૂંક સમયમાં જ લાગૂ પાડવામાં આવશે. કેન્દ્ર સરકારે બન્ને માધ્યમો માટે મોટી જાહેરાતો કરી છે તે જાણો અહીં...
સોશિયલ મીડિયા કંપનીઓએ ફરિયાદો સાંભળવા માટે એક અધિકારી રાખવો જોઈએ અને તેનું નામ પણ જાહેર કરવું જોઈએ. આ અધિકારીએ 15 દિવસની અંદર ફરિયાદ દૂર કરવાની રહેશે. જો ફરિયાદ ન્યૂડિટીના મુદ્દે હોય તો 24 કલાકની અંદર જ તેની સાથે જોડાયેલી કન્ટેન્ટ હટાવવી જોઈએ. જો તમે કોઈ સોશિયલ મીડિયા યુઝર્સની કન્ટેન્ટ હટાવો છો તો એ માટે તમારે પૂરતાં કારણો આપવાં પડશે. ખોટી કન્ટેન્ટ પહેલી વખત કોણે નાખી છે એ પણ જણાવવું પડશે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા એક એવું પ્લેટફૉર્મ, જે બન્યું છે ઉશ્કેરણીનું કારણ
રવિશંકર પ્રસાદે કહ્યું છે કે અમારી સામે ફરિયાદ આવી હતી કે સોશિયલ મીડિયા ક્રિમિનલ, આતંકવાદી, હિંસા ફેલાવનાર લોકોને પ્રમોટ કરતું પ્લેટફોર્મ બની ગયું છે. ભારતમાં વ્હોટ્સએપના યુઝર્સ 50 કરોડ છે. ફેસબુકના 41 કરોડ યુઝર્સ છે. ઈન્સ્ટાગ્રામ યુઝર્સની સંખ્યા 21 કરોડ અને ટ્વિટરના 1.5 કરોડ યુઝર્સ થઈ ગયા છે. આ સોશિયલ મીડિયાના ખોટા ઉપયોગ અને ફેક ન્યૂઝની ફરિયાદો આવી છે. આ ચિંતાજનક વાત હતી, તેથી અમારી સરકારે આવા પ્લેટફોર્મ માટે ગાઈડલાઈન્સ તૈયાર કરવાનો નિર્ણય લીધો છે.
સોશિયલ મીડિયા માટે બનાવવામાં આવ્યા નવા નિયમો
- સોશિયલ મીડિયા કંપનીઓએ યુઝર્સની ફરિયાદો માટે એક અધિકારી રાખવો પડશે અને તેમનું નામ પણ જણાવવું પડશે.
- આ ઓફિસરે 15 દિવસની અંદર ફરિયાદનો ઉકેલ લાવવો પડશે. ન્યૂઝના મુદ્દે જો ફરિયાદ હશે તો 24 કલાકની અંદર તેમણે કન્ટેન્ટ હટાવવી પડશે.
- આ કંપનીઓએ દર મહિને એક રિપોર્ટ આપવો પડશે કે કેટલી ફરિયાદો આવી અને તેમના પર શું કાર્યવાહી કરવામાં આવી. ફરિયાદ પર 24 કલાકની અંદર જ પગલાં લેવાં પડશે અને 15 દિવસની અંદર ઉકેલ લાવવો પડશે.
-કોઈપણ અફવા અથવા ખોટો કન્ટેન્ટ પોસ્ટ કરે છે તો તમારે જણાવવું પડશે કે પહેલીવાર આ પોસ્ટ અથવા કન્ટેન્ટ કોણે આપેલ છે.
- જો તમે કોઈ સોશિયલ મીડિયા યુઝર્સની કન્ટેન્ટને હટાવવી છે તો તમારે એનું કારણ પણ જણાવવું પડશે.
OTT અને ન્યૂઝ વેબસાઈટને બેવાર સેલ્ફ રેગ્યુલેશન બનાવવાનો મોકો આપવામાં આવે
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું- ડિજિટલ મીડિયા ન્યૂઝ પોર્ટલની જેમ કરોડો ઓટીટી પ્લેટફોર્મ આવી ગયા છે. જે પ્રેસથી આવે છે એને પ્રેસ કાઉન્સિલનો કોડ ફોલો કરવાનો હોય છે, પરંતુ ડિજિટલ મીડિયા માટે બંધન નથી હોતું. ટીવીવાળા કેબલ નેટવર્ક એક્ટ અંતર્ગત કોડ ફોલો કરે છે, પરંતુ ઓટીટી પ્લેટફોર્મ માટે આવો કોઈ નિયમ હોતો નથી. સરકારે વિચાર્યું છે કે દરેક મીડિયા પ્લેટફોર્મ માટે એક જ ન્યાયિક વ્યવસ્થા હોય. અમુક નિયમનું પાલન દરેક લોકોએ કરવું પડશે અને એ માટે વ્યવસ્થા બનાવવી પડશે.
એ માટે બંને ગૃહમાં OTT પર 50 સવાલ પૂછવામાં આવ્યા. ત્યાર પછી અમે દિલ્હી, મુંબઈ અને ચેન્નઈમાં OTT સાથે જોડાયેલા લોકોની મીટિંગ પણ બોલાવી. અમે તેમને સેલ્ફ રેગ્યુલેશનની વાત કરી હતી, પરંતુ એ ના થયું. બીજી મીટિંગમાં અમે 100 દિવસની અંદર વ્યવસ્થા કરવાનું કહ્યું, એ પણ ન થયું. ત્યાર પછી અમે મીડિયા માટે ઈન્સ્ટિટ્યૂટ સિસ્ટમ તૈયાર કરવા કહ્યું.

