આ પહેલાં પણ અખિલેશ યાદવે કેશવ પ્રસાદ મૌર્યને આવી ઑફર કરી છે.
અખિલેશ યાદવ
લોકસભાની ચૂંટણી પહેલાં જે રાજ્યને ભારતીય જનતા પાર્ટી (BJP)નો ગઢ માનવામાં આવતો હતો એ ઉત્તર પ્રદેશમાં અત્યારે જબરદસ્ત ખટપટ જોવા મળી રહી છે. BJP માટે ધાર્યાં પરિણામ ન આવ્યાં હોવાથી અત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન એકબીજાની સામે આવી ગયા છે.
BJP કાર્યસમિતિની બેઠકમાં પાર્ટીના નેતાઓના મતભેદ સામે આવ્યા હતા. આ બેઠકમાં રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું હતું કે સંગઠન સરકારથી મોટું છે. ત્યાર બાદ તેમણે દિલ્હીમાં પાર્ટીના અધ્યક્ષ જે. પી. નડ્ડાની મુલાકાત લીધી હતી. તેમણે ઉત્તર પ્રદેશમાં સરકાર અને સંગઠન સાથે મળીને કામ કરે એવી સલાહ આપી હતી. એટલું જ નહીં, ઉત્તર પ્રદેશના નેતાઓનું માનવું છે કે રાજ્યની અત્યારની પરિસ્થિતિ જોતાં કેન્દ્રના નેતાઓએ મધ્યસ્થી કરીને જેમ બને એમ જલદી બધું પાટે ચડાવવાની જરૂર છે.
ADVERTISEMENT
આ બધા વચ્ચે ગઈ કાલે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કેશવ પ્રસાદ મૌર્યને આડકતરી રીતે તેમની સાથે આવી જવા માટે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરીને ઑફર કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે ‘મૉન્સૂન ઑફર ઃ સૌ લાઓ, સરકાર બનાઓ.’
એનો અર્થ એવો કાઢવામાં આવી રહ્યો છે કે જો કેશવ પ્રસાદ મૌર્ય પોતાની સાથે ૧૦૦ વિધાનસભ્યોને લઈને આવશે તો સમાજવાદી પાર્ટીના સપોર્ટ સાથે તેઓ ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવી શકશે. આ પહેલાં પણ અખિલેશ યાદવે કેશવ પ્રસાદ મૌર્યને આવી ઑફર કરી છે.