દુર્ઘટનાને લીધે અખાડાઓને સ્નાન નહીં કરવાની મુખ્ય પ્રધાને વિનંતી કરી, તેઓ માની ગયા પણ પરિસ્થિતિ સામાન્ય થયા પછી અમૃત સ્નાન કર્યું : હેલિકૉપ્ટરથી પુષ્પવર્ષા થઈ
ત્રણેય શંકરાચાર્યે કર્યું અમૃત સ્નાન, નાગા સાધુઓએ હવામાં તલવાર લહેરાવી, શ્રદ્ધાળુઓએ પગની ધૂળ એકઠી કરી
પ્રયાગરાજમાં થયેલી નાસભાગ બાદ ગઈ કાલે વહેલી સવારે વિવિધ અખાડાઓએ મૌની અમાવસ્યાના દિવસે પવિત્ર ત્રિવેણી સંગમમાં અમૃત સ્નાન નહીં કરવાનો નિર્ણય લીધો હતો, પણ બપોર સુધીમાં પોલીસ અને પ્રશાસને અખાડાઓ માટેનો શાહી સ્નાનનો રસ્તો ખાલી કરી આપતાં સાધુ-સંતોએ અમૃત સ્નાન કર્યું હતું.
વહેલી સવારે અખાડાના સાધુઓ અમૃત સ્નાન માટે નીકળ્યા હતા, પણ ત્રિવેણી સંગમ પર નાસભાગ બાદ પરિસ્થિતિ બેકાબૂ થતાં પ્રશાસને અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે અખાડાઓને અમૃત સ્નાન રદ કરવાની વિનંતી કરી હતી, એ પછી સાધુ-સંતોની બેઠક થઈ હતી અને એમાં નિર્ણય લેવાયો હતો કે મૌની અમાવસ્યાએ સાધુ-સંતો અમૃત સ્નાન નહીં કરે.
ADVERTISEMENT
આ મુદ્દે અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ રવીન્દ્ર પુરીએ કહ્યું હતું કે ‘જે ઘટના બની છે એના કારણે અમે પણ દુખી છીએ, અમે જનહિતમાં નિર્ણય લીધો છે કે અખાડાઓ આજે સ્નાનમાં હિસ્સો નહીં લે, આજે ભલે દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓ પહેલાં સ્નાન કરે, અમે વસંત પંચમીના દિવસે સ્નાન કરીશું. આ દુર્ઘટના એટલા માટે થઈ હતી કારણ કે શ્રદ્ધાળુઓ સંગમ તટ સુધી પહોંચવા માગતા હતા. પ્રયાગરાજમાં ગંગા નદીમાં સ્નાન કરવામાં પણ એ જ પુણ્ય છે જે ત્રિવેણી સંગમના સ્નાનમાં મળે છે. આમાં પ્રશાસનની ભૂલ નથી, કરોડો લોકોને સંભાળવા આસાન નથી.’
જોકે પ્રશાસને પરિસ્થિતિ પર ત્રણ કલાકમાં કાબૂ મેળવી લીધા બાદ અખાડાઓ સાથે ફરી વાતચીત કરવામાં આવી અને તેઓ રાજી થયા હતા.
શ્રૃંગેરી શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી વિધુ શેખર ભારતીજી, દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્તીજી અને જ્યોતિષ પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજે સંગમમાં ડૂબકી લગાવી હતી. ત્યાર બાદ સાધુ-સંતોએ નાના ગ્રુપમાં પોતાના ઈષ્ટદેવની સાથે સાંકેતિક સ્નાન કર્યું હતું.
જૂના અખાડાના આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિ મહારાજ રથ પર સવાર થઈને નીકળ્યા હતા. ઘોડા અને રથમાં બેસીને નાગા સાધુઓ સંગમ તટે પહોંચ્યા હતા, તેમણે હવામાં તલવાર લહેરાવી હતી અને જયકારા લગાવ્યા હતા.
સાધુ-સંતો પર હેલિકૉપ્ટરમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
અખાડાના સાધુઓએ અમૃત સ્નાન કર્યા બાદ જલદીથી ત્રિવેણી સંગમ તટ ખાલી કરી દીધો હતો.
૮ વાગ્યા સુધીમાં ૭.૬૪ કરોડ લોકોએ કર્યું સ્નાન
પ્રયાગરાજમાં ગઈ કાલે મૌની અમાવસ્યાના દિવસે રાત્રે ૮ વાગ્યા સુધીમાં ૭.૬૪ કરોડ લોકોએ કુંભમેળામાં સ્નાન કર્યું હતું.
નાસભાગમાં બહરાઇચના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અંજનીકુમાર રાયનું મૃત્યુ
કુંભમેળામાં ગઈ કાલે વહેલી સવારે થયેલી નાસભાગ વખતે ડ્યુટી પર હાજર બહરાઇચના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અંજનીકુમાર રાયનું પણ નિધન થયું છે. બહરાઇચ જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ ન્યુઝને પુષ્ટિ આપી હતી. અંજનીકુમારને મહાકુંભમાં ડ્યુટી સોંપવામાં આવી હતી.
જોકે તેમનું મૃત્યુ કેવી રીતે થયું છે એની જાણ થઈ નથી. એક અહેવાલ પ્રમાણે નાસભાગમાં તેમનું મૃત્યુ થયું હતું, પણ બીજા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે નાસભાગ વખતે લોકોને મદદ કરતી વખતે તેમની તબિયત બગડી હતી અને તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા.
હેમા માલિનીએ કર્યું સ્નાન
મહાકુંભમાં ગઈ કાલે મથુરાનાં સંસદસભ્ય અને ઍક્ટ્રેસ હેમા માલિનીએ સ્નાન કર્યું હતું.
મિલિંદ સોમણે પત્ની સાથે સ્નાન કર્યું
પ્રસિદ્ધ ઍક્ટર અને મૉડલ મિલિંદ સોમણ અને તેની પત્ની અંકિતા કોંવરે પણ ગઈ કાલે કુંભમાં સ્નાન કર્યું હતું.
રેસલર ખલીને આધ્યાત્મિક ઊર્જાનો થયો અનુભવ
ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં રુચિ રાખતા રેસલર ખલીએ પણ પત્ની સાથે ગઈ કાલે સંગમમાં સ્નાન કર્યું હતું અને જણાવ્યું હતું કે મને આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ થયો.

