જ્યાં અમ્રિતપાલની ધરપકડ કરવામાં આવી એ જ ભિંડરાંવાલેનું જન્મસ્થળ મોગા જિલ્લાના રોડે ગામમાં તેની વારિસ પંજાબ દેના ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી હતી
ફાઇલ તસવીર
ચંડીગઢ: વારિસ પંજાબ દેનો ચીફ અને ખાલિસ્તાની લીડર અમ્રિતપાલ સિંહ ૧૮મી માર્ચથી ભાગેડુ હતો. પોલીસે વારિસ પંજાબ દેની વિરુદ્ધના ઑપરેશનમાં ૧૧૪ લોકોની ધરપકડ કરી છે અને છ એફઆઇઆર કરી છે. પોલીસને પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઇએસઆઇ (ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ)ની સંડોવણીની પણ શંકા છે. ગયા મહિનામાં અજનાલામાં પોલીસ સ્ટેશન પર અમ્રિતપાલ અને તેના સપોર્ટર્સ હથિયારોની સાથે ધસી ગયા હતા. જેના પછી અમ્રિતપાલ પોલીસના રડાર પર હતો. એક સમયે તે દુબઈમાં રહેતો હતો અને એ સમયે તે બિલકુલ ધાર્મિક નહોતો. વારિસ પંજાબ દેનો ચીફ બન્યા બાદ ખાલિસ્તાન માટે પંજાબના લોકોને ઉશ્કેરવાનું તેણે શરૂ કર્યું હતું.
તે પંજાબના અમ્રિતસરના જલ્લુપુર ગામનો છે. તે ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી દુબઈમાં રહેતો હતો અને તેના સંબંધીના ટ્રાન્સપોર્ટ બિઝનેસમાં મદદ કરતો હતો. ૧૨મા ધોરણ સુધી ભણ્યા બાદ તેણે પંજાબ છોડી દીધું હતું. મજેદાર વાત એ છે કે ભૂતકાળના અન્ય ખાલિસ્તાની લીડર્સની જેમ અમ્રિતપાલ સિખોની જીવન જીવવાની પદ્ધતિને નહોતો અપનાવતો. તે પાઘડી પણ નહોતો પહેરતો.
૧૫મી ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ પંજાબી ઍક્ટર અને એ સમયના વારિસ પંજાબ દેના ચીફ દીપ સિધુનું એક રોડ ઍક્સિડન્ટમાં મૃત્યુ થયા બાદ સ્થિતિ બદલાઈ ગઈ.
ADVERTISEMENT
અચાનક અમ્રિતપાલ પંજાબમાં આવ્યો. તે વારિસ પંજાબ દેનો આગામી ચીફ બન્યો. ૨૯મી સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ મોગા જિલ્લાના રોડે ગામમાં તેના સપોર્ટર્સ દ્વારા વારિસ પંજાબ દેના આગામી વડા તરીકે અમ્રિતપાલની નિમણૂક કરવામાં આવી. રોડે ગામની પસંદગી કરવાનું કારણ એ હતું કે એ જરનૈલ સિંહ ભિંડરાંવાલેનું જન્મસ્થળ છે.
અમ્રિતપાલ સિંહ ૨૪મી ફેબ્રુઆરીથી સમગ્ર દેશના ધ્યાને આવ્યો હતો જ્યારે તે અને તેના ફૉલોઅર્સ હથિયારોની સાથે એક પોલીસ સ્ટેશનમાં ધસી ગયા હતા અને તેમના સાથી લવપ્રીત સિંહ તુફાનને મુક્ત કરવા માટે માગણી કરવા લાગ્યા હતા. અમ્રિતસર સિટીની પાસે અજનાલામાં આ સપોર્ટર્સ બૅરિકેડ્સ તોડીને પોલીસ સ્ટેશનમાં ઘૂસ્યા હતા. અજનાલાની ઘટનાને કારણે પંજાબ સરકાર પર વિપક્ષો તરફથી અમ્રિતપાલની વિરુદ્ધ ઍક્શન લેવા માટે દબાણ વધ્યું હતું. માર્ચના પહેલા અઠવાડિયામાં પંજાબ પોલીસે આખરે અમ્રિતપાલ સિંહની વિરુદ્ધ ઍક્શન લેવાની શરૂઆત કરી હતી.