વિશ્વમાં આવા માત્ર ૪૦ જ કેસ નોંધાયા છે
૧૭ વર્ષના ટીનેજરના શરીર પરથી અવિકસિત પરાવલંબી ટ્વિનના શરીરને દૂર કરવાની સર્જરી થઈ હતી. ટીનેજર મૂળ ઉત્તર પ્રદેશના બલિયા ગામનો છે.
ન્યુ દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS) હૉસ્પિટલમાં પહેલી વાર ૧૭ વર્ષના ટીનેજરના શરીર પરથી અવિકસિત પરાવલંબી ટ્વિનના શરીરને દૂર કરવાની સર્જરી થઈ હતી. ટીનેજર મૂળ ઉત્તર પ્રદેશના બલિયા ગામનો છે. જાન્યુઆરી મહિનામાં તેને આ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો ત્યારે તેની હાલત ખૂબ ખરાબ હતી. તેના પેટના ભાગ પરથી બે અવિકસિત છતાં ખૂબ મોટા બે પગ લટકતા હતા. આ પગ જેમ-જેમ મોટા થતા હતા એમ ટીનેજર માટે મુશ્કેલીઓ વધતી હતી. શ્વાસ લેવાથી લઈને ચાલવામાં પણ મુશ્કેલી પડતી હતી. AIIMSના નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રકારના અવિકસિત હોવા છતાં પરાવલંબી ટ્વિન બાળકનું શરીર જોડાયેલું રહ્યું હોય એવા વિશ્વભરમાં અત્યાર સુધી ૪૦ કેસ જ નોંધાયા છે. આવા કેસોનું યંગ એજમાં નિદાન કરીને ટ્રીટમેન્ટ કરી દેવી પડે છે. જોકે આ યુવક ૧૭ વર્ષનો થઈ ચૂક્યો હોવાથી તકલીફો વધુ હતી.
AIIMSના સર્જરી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડૉ. અસુરી ક્રિષ્નાનું કહેવું છે કે ‘જ્યારે પેટમાં ટ્વિન બાળકોનો ગર્ભ રહે અને કોઈક કારણોસર બન્ને ભ્રૂણ એકમેકથી સંપૂર્ણપણે છૂટા ન થઈ શકે ત્યારે શરીરથી જોડાયેલાં આવાં બાળકો જન્મે છે. આ જેટલું રૅર છે એનાથી પણ રૅર એ છે કે એક બાળકના અવિકસિત અંગો બીજા બાળકના શરીર પર પરાવલંબી બનીને વિકસે.’
ADVERTISEMENT
AIIMSના સર્જ્યનોએ આઠમી ફેબ્રુઆરીએ આ ટીનેજર પર સર્જરી કરી હતી અને અવિકસિત બાળકના પગ જેવા દેખાતા અંગોને કાપીને દૂર કર્યા હતા. AIIMS દિલ્હીમાં આ પ્રકારની પહેલી સર્જરી થઈ હતી. હવે ટીનેજર સંપૂર્ણપણે સ્વસ્થ છે.

