હરિયાણામાં સ્થાનિક સ્તરે વિરોધ-પ્રદર્શન કરવાથી લઈને હવે ખાપ ગ્રુપો અને ખેડૂત નેતાઓએ દિલ્હીમાં રેસલર્સનાં ધરણાંમાં જોડાવાનું શરૂ કર્યું
નવી દિલ્હીમાં ગઈ કાલે મીડિયા સાથે વાત કરી રહેલા રેસલર્સ બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક સાથે કૉન્ગ્રેસના નેતા દીપેન્દર સિંહ હૂડા.
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને પાછા ખેંચી લીધા બાદ દિલ્હીની સીમાઓ પર એક વર્ષના વિરોધ-પ્રદર્શનને સમેટી લીધાને ૧૬ મહિના કરતાં વધારે સમય બાદ હવે ખેડૂતોમાં વધુ એક વખત સરકાર પ્રત્યે નારાજગી છે.
ખેડૂતોમાં નારાજગીનું કારણ દિલ્હીમાં જંતરમંતર ખાતે રેસલર્સનાં ધરણાં છે. આ રેસલર્સ શારીરિક શોષણના આરોપોને લઈને બીજેપીના સંસદસભ્ય અને રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના પ્રેસિડન્ટ બ્રિજ ભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહ્યા છે. હવે આ વિરોધ-પ્રદર્શન હરિયાણા અને એની આસપાસનાં રાજ્યોના લોકોના હૃદયને પણ ઝકઝોળી રહ્યું છે. આ મોટા ભાગના રેસલર્સ હરિયાણા અને એની આસપાસનાં રાજ્યોના ગ્રામીણ અને ખેડૂત પરિવારોમાંથી આવે છે ત્યારે હવે ખેડૂતોને એ પોતાની લડાઈ લાગે છે. હરિયાણામાં સ્થાનિક સ્તરે વિરોધ-પ્રદર્શન કરવાથી લઈને હવે ખાપ ગ્રુપો અને ખેડૂત નેતાઓએ દિલ્હીમાં રેસલર્સનાં ધરણાંમાં જોડાવાનું શરૂ કર્યું છે. વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિત વિરોધ-પ્રદર્શન કરી રહેલાં રેસલર્સ હરિયાણાનાં છે.
હરિયાણાના જિંદ જિલ્લાના ખેડૂત-નેતા આઝાદ સિંહ પલવાએ કહ્યું હતું કે ‘રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના પ્રેસિડન્ટનો બચાવ કરવાને બદલે બીજેપી સરકારે ઓછામાં ઓછા એક વખત તેમની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવી જોઈએ, કેમ કે તેમની વિરુદ્ધ મૂકવામાં આવેલા આરોપો ગંભીર છે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘સૌપ્રથમ તો હરિયાણા સરકારે એક વિમેન્સ ઍથ્લેટિક્સ કોચની ફરિયાદ પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ મૂકતો એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હોવા છતાં પ્રધાન સંદીપ સિંહને હટાવ્યા નહીં. આ કેસમાં પ્રધાનની ધરપકડ પણ થઈ નથી. હવે રેસલર્સને બ્રિજ ભૂષણની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાવવા માટે ધરણાં પર બેસવાની ફરજ પાડવામાં આવી.’
ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોની લાગણી જોઈને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભુપિન્દર સિંહ હૂડા અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક પણ દિલ્હીમાં ધરણામાં જોડાયા છે. ઇન્ડિયન નૅશનલ લોક દળના લીડર અભય સિંહ ચૌટાલા બુધવારે બજરંગ પુનિયાના પેરન્ટ્સને મળ્યા હતા.