ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા રેસિડન્ટ ડોક્ટર્સ અસોસિએશને આજે આખા દેશમાં હડતાળનું એલાન કર્યું છે
ડૉક્ટરો હડતાળ પર ઉતરશે
કલકત્તાની એક મેડિકલ કૉલેજમાં જૂનિયર લૅડી ડૉક્ટર પર બળાત્કાર બાદ તેની કરપીણ હત્યાના કેસમાં આજે દેશભરના રેસિડન્ટ ડૉક્ટરો હડતાળ પર ઉતરી જવાના છે. ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા રેસિડન્ટ ડોક્ટર્સ અસોસિએશને આજે આખા દેશમાં હડતાળનું એલાન કર્યું છે. તમામ સરકારી હૉસ્પિટલોના રેસિડન્ટ ડૉક્ટરોને તેમાં જોડાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે.
આ લૅડી ડૉક્ટરની હત્યાના કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે પણ ડૉક્ટરોએ માગણી કરી છે કે આ હત્યા અને બળાત્કારના કેસમાં એક કરતાં વધારે આરોપી હોઈ શકે છે. શુક્રવારે લૅડી ડૉક્ટરનો મૃતદેહ મેડિકલ કૉલેજના સેમિનાર હૉલમાંથી મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું છે કે હત્યા કરતાં પહેલાં તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. આ કેસમાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પણ આરોપીને ફાંસીની સજા કરવાની માગણી કરી છે અને જણાવ્યું છે કે પીડિતાનો પરિવાર આ કેસની તપાસ સેન્ટ્રલ એજન્સીને સોંપવા માગતો હોય તો એનો વિરોધ કરવામાં નહીં આવે.