આંદામાન અને નિકોબારથી સાવ નજીક આવેલા કોકો આઇલૅન્ડ્સ પર ચીન દ્વારા મિલિટરી કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે
સ્પેસ ટેક્નૉલૉજી કંપની મેક્સર ટેક્નૉલૉજીઝ દ્વારા રિલીઝ કરવામાં આવેલી લેટેસ્ટ સૅટેલાઇટ ઇમેજમાં કોકો આઇલૅન્ડ્સ પર કન્સ્ટ્રક્શન ઍક્ટિવિટીઝ ફરી શરૂ થઈ હોવાનું જોવા મળ્યું હતું.
નવી દિલ્હી ઃ બંગાળની ખાડીમાં મ્યાનમારના કોકો આઇલૅન્ડ્સની તાજેતરમાં સૅટેલાઇટ્સથી લેવામાં આવેલી ઇમેજીસે ભારતની ચિંતા વધારી છે. આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહથી સાવ નજીક આવેલા કોકો આઇલૅન્ડ્સ પર મોટા પાયે મિલિટરી કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે. રનવે, હૅન્ગર્સ અને રડાર સ્ટેશન બની રહ્યાં છે. આ મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચીન દ્વારા જ તૈયાર કરવામાં આવ્યું હોવાની શંકા થઈ રહી છે.
આંદામાન અને નિકોબાર આઇલૅન્ડ્સ ભારતના પૂર્વ કાંઠાથી ૧૨૦૦ કિલોમીટરના અંતરે આવેલા છે, પરંતુ કોકો આઇલૅન્ડ્સ વ્યુહાત્મક રીતે સ્થિત આ ભારતીય દ્વીપસમૂહની ઉત્તરે માત્ર ૪૨-૫૫ કિલોમીટરના અંતરે છે. વાસ્તવમાં આ પ્રદેશમાં ઇલેક્ટ્રૉનિક કમ્યુનિકેશનને આંતરવા માટે ચીન કોકો આઇલૅન્ડ્સનો ઉપયોગ કરી રહ્યું હોવાની ઘણા સમયથી અટકળો છે.
સ્પેસ ટેક્નૉલૉજી કંપની મેક્સર ટેક્નૉલૉજીઝ દ્વારા રિલીઝ કરવામાં આવેલી લેટેસ્ટ સૅટેલાઇટ ઇમેજીસમાં કોકો આઇલૅન્ડ્સ પર નવી કન્સ્ટ્રક્શન ઍક્ટિવિટીઝ શરૂ થઈ હોવાનું જોવા મળ્યું હતું, જેમાં ગ્રેટ કોકો આઇલૅન્ડ્સ પર રનવેની લંબાઈ ૨૩૦૦ મીટર વધારવાની કોશિશ પણ સામેલ છે.
અધિકારીઓ અનુસાર જો કોકો આઇલૅન્ડ્સ પર મોટા પાયે મિલિટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં ચીનનો સીધો હાથ હોય તો એ ચોક્કસ જ ભારત માટે ખૂબ જ ચિંતાની બાબત છે.
આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતે પણ ધીરે-ધીરે મ્યાનમારની સાથે મિલિટરી સંબંધો મજબૂત કરવાની કોશિશ શરૂ કરી છે, પરંતુ ભારત નાણાકીય અને સૈન્ય સહાયની દૃષ્ટિએ ચીનની બરોબરી કરી શકે એમ નથી. ચીને મ્યાનમારના શાસકોની સાથે મજબૂત સંબંધો બનાવ્યા છે. ચીને ચીન-મ્યાનમાર ઇકૉનૉમિક કૉરિડોર દ્વારા મ્યાનમારમાં અનેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ શરૂ કર્યા છે. પૂરતા પુરાવા સૂચવે છે કે મ્યાનમારના લશ્કરી બળવાથી આ દેશમાં ચીનનો પ્રભાવ વધ્યો છે. નોંધપાત્ર છે કે ભારત, જપાન, ફિલિપીન્સ અને અમેરિકા હિન્દ મહાસાગર પ્રદેશમાં ચીનના વધતા પ્રભાવ બાબતે ચિંતાતુર છે.
ચાઇનીઝ કંપનીઓ ગ્રાઉન્ડ પર કામ કરી રહી છે. મોટા પાયે બંદરો સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. આ ચાઇનીઝ કર્મચારીઓનાં યુનિટ્સ અને કર્મચારીઓના રક્ષણ માટે મ્યાનમારના મિલિટરી શાસકોએ જવાનો તહેનાત કર્યા છે. મ્યાનમાર અત્યારે ચીનના ઇશારે જ ચાલતું હોય એમ જણાય છે.
અમેરિકન થિન્ક-ટૅન્કે ચીનનો સામનો કરવા માટે ભારતને અમેરિકાને સપોર્ટ આપવા માટે હાકલ કરી
અમેરિકન થિન્ક-ટૅન્ક ધ સેન્ટર ફૉર અ ન્યુ અમેરિકન સિક્યૉરિટીએ એના તાજેતરના રિપોર્ટમાં મિલિટરી અને વ્યુહાત્મક રીતે ભારતને મદદ કરવાના રચનાત્મક ઉપાયો માટે હાકલ કરી હતી. વાઇટ હાઉસના ભૂતપૂર્વ અધિકારી લિસા કુર્ટિસ અને જાણીતા ઍનલિસ્ટ ડેરેક ગ્રોસમૅને એના તાજેતરના રિપોર્ટમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકન પૉલિસીમેકર્સે ભારત અને ચીન વચ્ચે સીમા પર ભવિષ્યમાં ઘર્ષણની સ્થિતિમાં તાત્કાલિક ઍક્શન લેવા માટે તૈયાર રહેવું જોઈએ અને સ્થિતિને નજીકથી મૉનિટર કરવી જોઈએ. જોકે કુર્ટિસ અને ગ્રોસમૅને જણાવ્યું હતું કે અમેરિકાએ ભારતને ચૂપચાપ મદદ કરવી જોઈએ.
ADVERTISEMENT
દસ ચાઇનીઝ ઍરક્રાફ્ટે તાઇવાન સામુદ્રધુનિને પાર કરી
તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે ચીનના દસ ઍરક્રાફ્ટ્સે તાઇવાન સામુદ્રધુનીને પાર કરી હતી. ચાઇનીઝ મિલિટરીની ઍક્ટિવિટીઝ વિશેના એના દૈનિક રિપોર્ટમાં આ મંત્રાલયે જણાવ્યું હતું કે નવ ચાઇનીઝ ફાઇટર જેટ્સ અને એક મિલિટરી ડ્રોને સામુદ્રધુનિને પાર કરી હતી. તાઇવાને આ ચાઇનીઝ ઍરક્રાફ્ટ્સને ચેતવવા માટે ઍરક્રાફ્ટ મોકલ્યું હતું.