બેન્ચે સૉલિસિટર જનરલ તુષાર મહેતા અને લૉયર્સ પ્રશાંત ભૂષણ અને એમ. એલ. શર્મા સહિત જાહેર જનહિતની અરજી કરનારાઓની રજૂઆતોને સાંભળી હતી.
સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી ઃ સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રુપ-હિંડનબર્ગના મુદ્દે તપાસ કરવા માટે રચવામાં આવનારી કમિટી માટે કેન્દ્ર સરકાર દ્વારા સૂચવવામાં આવેલાં એક્સપર્ટ્સનાં નામના સીલ કવરને સ્વીકારવાની ના પાડી દીધી હતી.
ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચન્દ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું હતું કે અદાલત જાતે જ એક્સપર્ટ્સની પસંદગી કરશે અને સમગ્ર પ્રક્રિયા દરમ્યાન સંપૂર્ણ ટ્રાન્સપરન્સી જાળવી રાખશે. ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે ‘જો અમે સરકાર પાસેથી નામ લઈશું તો એ સરકાર દ્વારા રચવામાં આવેલી કમિટી ગણાશે. આ કમિટીમાં લોકોને સંપૂર્ણપણે વિશ્વાસ થવો જોઈએ.’
સુપ્રીમ કોર્ટે વધુ જણાવ્યું હતું કે ‘એ હિંડનબર્ગ-અદાણીના મુદ્દે તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના અત્યારના જજ હેઠળ કોઈ કમિટીની રચના નહીં કરે. જોકે એ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટીની રચના કરશે.’
બેન્ચે સૉલિસિટર જનરલ તુષાર મહેતા અને લૉયર્સ પ્રશાંત ભૂષણ અને એમ. એલ. શર્મા સહિત જાહેર જનહિતની અરજી કરનારાઓની રજૂઆતોને સાંભળી હતી.
અમેરિકન શૉર્ટ સેલર હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રુપની વિરુદ્ધ આરાપો મૂકવામાં આવ્યા બાદ અદાણી ગ્રુપની કંપનીઓના સ્ટૉક્સમાં કડાકો બોલાયો હતો.
દસમી ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે માર્કેટમાં અફરાતફરીની સ્થિતિમાં ભારતીય રોકાણકારોનાં હિતોનું રક્ષણ થવું જોઈએ.