ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટે દેશનાં ૧૮ રાજ્યોમાં કરેલા સર્વેના આધારે યુપીને આપ્યો છેલ્લો ક્રમાંક, ગુજરાતનો ચોથો નંબર
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ ૨૦૨૨ મુજબ ન્યાય આપવાના મામલે એક કરોડથી વધુ વસ્તી ધરાવતાં ૧૮ મોટાં રાજ્યોમાં કર્ણાટકે ટોચનું સ્થાન મેળવ્યું છે જેમાં પોલીસ, ન્યાયતંત્ર, જેલ અને કાનૂની સલાહ જેવા ચાર મહત્ત્વના મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ યાદીમાં તામિલનાડુ બીજા અને તેલંગણ ત્રીજા સ્થાને છે. ઉત્તર પ્રદેશ સૌથી છેલ્લા એટલે કે ૧૮મા ક્રમાંકે છે. ચોથી એપ્રિલે જાહેર કરાયેલા રિપોર્ટમાં ગુજરાતને ચોથો અને આંધ્ર પ્રદેશને પાંચમો ક્રમાંક મળ્યો છે.
એક કરોડથી ઓછી વસ્તી ધરાવતાં સાત નાનાં રાજ્યોની યાદીમાં સિક્કિમ ટોચ પર હતું, જે ૨૦૨૦માં બીજા ક્રમે હતું. સિક્કિમ બાદ અરુણાચલ પ્રદેશ આવે છે. િત્રપુરા ૨૦૨૦માં પ્રથમ ક્રમે હતું. આ યાદીમાં ગોવા સાતમા ક્રમાંકે હતું, જે સૌથી નીચે હતું. તાતા ટ્રસ્ટ દ્વારા ૨૦૧૯માં ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટની શરૂઆત થઈ હતી. આ રિપોર્ટ ૨૪ મહિનાના સંશોધન પર આધારિત છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે હાઈ કોર્ટના માત્ર ૧૩ ટકા જ્યારે નીચલી અદાલતોના ૩૫ ટકા જજ મહિલાઓ છે.
ADVERTISEMENT
જેલમાં ૭૭ ટકા કેદીઓ અન્ડરટ્રાયલ
દેશની જેલમાં માત્ર ૨૨ ટકા કેદીઓ જ દોષી છે, જ્યારે બાકીના ૭૭ ટકા અન્ડરટ્રાયલ એટલે કે કાચા કામના કેદી છે. તેમણે કરેલા ગુનાની તપાસ બાકી છે અને સુનાવણી પણ પૂરી થઈ નથી. ૨૦૧૦માં આવા અન્ડરટ્રાયલ કેદીઓની સંખ્યા ૨.૪ લાખથી બમણી થઈને ૨૦૨૧માં ૪.૩ લાખ થઈ હતી. આમ ૭૮ ટકાનો વધારો થયો હતો. આંદામાન અને નિકોબાર ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, ત્રિપુરા અને મધ્ય પ્રદેશના અપવાદને બાદ કરતાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અન્ડરટ્રાયલની સંખ્યા ૬૦ ટકાથી વધુ છે.