આમ આદમી પાર્ટીએ ધમકી આપી કે કેન્દ્ર સરકારના વટહુકમની વિરુદ્ધ એના કૅમ્પેનમાં કૉન્ગ્રેસ એને સાથ નહીં આપે તો આજે યોજાનારી વિપક્ષોની મીટિંગમાં એ ભાગ લેશે નહીં
અરવિંદ કેજરીવાલ
આગામી લોકસભાની ચૂંટણી પહેલાં બીજેપી વિરોધી તમામ પક્ષોને એક મંચ પર લાવવાના પ્રયાસને ગઈ કાલે આંચકો લાગ્યો હતો. આમ આદમી પાર્ટી (એએપી-આપ)એ ગઈ કાલે ધમકી આપી હતી કે દિલ્હીમાં ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસિસ પર કન્ટ્રોલના મામલે કેન્દ્ર સરકારના વટહુકમની વિરુદ્ધ એના કૅમ્પેનમાં કૉન્ગ્રેસ એને સાથ નહીં આપે તો આજે યોજાનારી વિપક્ષોની મીટિંગમાં આપ ભાગ નહીં લે.
આમ આદમી પાર્ટીના સોર્સિસે જણાવ્યું કે ‘કૉન્ગ્રેસે દિલ્હી વટહુકમના મુદ્દે અમને અચૂક સપોર્ટ આપવો જોઈએ. જો કૉન્ગ્રેસ સપોર્ટ નહીં આપે તો અમે વિપક્ષની મીટિંગનો બહિષ્કાર કરીશું.’
દરમ્યાન કૉન્ગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે જણાવ્યું હતું કે ‘અરવિંદ કેજરીવાલે વધુ એક વખત નાટકીય સ્ટેટમેન્ટ આપ્યું છે. કેજરીવાલજી, તમને કોઈ મિસ નહીં કરે. તમે ત્યાં જાઓ કે ન જાઓ. અમે તો પહેલાંથી જ જાણીએ છીએ કે વિપક્ષની મીટિંગમાં સામેલ ન થવા માટે તમે બહાનાં શોધી રહ્યા છો. તમને હું જણાવું કે દેશની ચિંતા કરનારાઓની આ મીટિંગ છે, સોદાબાજી કરનારાઓની બેઠક નથી.’
બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર દ્વારા આજે પટનામાં યોજાનારી મીટિંગમાં આગામી લોકસભાની ચૂંટણી માટે વિપક્ષોની સંયુક્ત રણનીતિ ઘડવામાં આવશે.