ગયા રવિવારે તેના પિયરે કોઇમ્બતુરના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. તેણે આત્મહત્યા કરી હતી.
ચોથા માળેથી બીજા માળના પતરાના શેડ પર પડેલ બાળક
ચેન્નઈમાં ચોથા માળેથી બીજા માળના પતરાના શેડ પર પડેલા નાના બાળકને બચાવી લેવા માટે પાડોશીઓએ કરેલા દિલધડક પ્રયાસનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો, પણ હવે આ બાળકની મમ્મી ગયા રવિવારે તેના પિયરે કોઇમ્બતુરના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. તેણે આત્મહત્યા કરી હતી.
૨૮ એપ્રિલે આઠ મહિનાનું આ બાળક ચેન્નઈમાં પતરાના શેડ પર પડી ગયા બાદ તેની મમ્મી વી. રામ્યાને જબરો આઘાત લાગ્યો હતો. બાળકનું ધ્યાન શા માટે રાખતી નથી એવી લોકોએ તેની આકરી ટીકા પણ કરી હતી.
ADVERTISEMENT
મીડિયામાં આવેલા અહેવાલો મુજબ રામ્યા અને તેનો પતિ વેન્કટેશ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી ફીલ્ડમાં કામ કરે છે. આ ઘટના બાદ તેઓ કોઇમ્બતુરના કરામડાઈ ખાતે આવેલા રામ્યાના પેરન્ટ્સના ઘરે આવ્યા હતા. રવિવારે રામ્યાનાં માતા-પિતા કોઈ ફંક્શનમાં ગયાં હતાં. તેઓ પાછાં આવ્યાં ત્યારે રામ્યા ઘરમાં બેહોશ અવસ્થામાં મળી આવી હતી. તેને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પણ ડૉક્ટરો તેને બચાવી શક્યા નહોતા.
બાળકના બચાવનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ ઘણા લોકો રામ્યાની ટીકા કરતા હતા અને બાળકને ઉછેરવામાં તેની બેદરકારી માટે તેને ઠપકો આપતા હતા. એને લીધે રામ્યા મનથી એકદમ તૂટી ગઈ હતી. સોશ્યલ મીડિયામાં આવતી લોકોની પ્રતિક્રિયાઓ અને ટીકાથી તેને ભારે આઘાત લાગ્યો હતો. એને કારણે તેણે જીવ ટૂંકાવ્યો હોવાની આશંકા છે.