એક મહિલાએ દાવો કર્યો કે ખોટો કેસ કરવા કોઈએ દબાણ કર્યું
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કર્ણાટકમાં જનતા દળ સેક્યુલર (JDS)ના સંસદસભ્ય પ્રજ્વલ રેવન્નાના કેસમાં નૅશનલ કમિશન ફૉર વિમેન દ્વારા ગુરુવારે જણાવવામાં આવ્યું હતું કે ફરિયાદ કરનારી એક મહિલાએ એવો દાવો કર્યો છે કે પોલીસ જેવા દેખાતા કેટલાક લોકોએ તેને ખોટી ફરિયાદ કરવા દબાણ કર્યું હતું અને આમ નહીં કરે તો હેરાનગતિ કરવામાં આવશે એવી ધમકી આપી હતી. મહિલા પંચની આ વાતને પગલે બીજી તરફ JDSના પ્રમુખ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામીએ આ સેક્સ-સ્કૅન્ડલની તપાસ કરતી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) પર આરોપ લગાવ્યો હતો કે ‘પોલીસ ફરિયાદી મહિલાઓને ખોટાં નિવેદન નોંધાવવાની ધમકી આપે છે. મહિલાઓને ધમકી આપવામાં આવે છે કે જો તેઓ કૉન્ગ્રેસ સરકારની તરફેણમાં નિવેદન નહીં આપે તો તેમની સામે પ્રોસ્ટિટ્યુશનનો કેસ ઠોકી દેવામાં આવશે. તપાસ કરનારા પોલીસો મહિલાઓના ઘરે જાય છે અને તેમને ધમકી આપે છે. શું આ રીતે કોઈ આવા કેસની તપાસ કરે છે?’ પ્રજ્વલ રેવન્ના ભૂતપૂર્વ વડા પ્રધાન એચ. ડી. દેવગૌડાનો પ્રપૌત્ર છે. પ્રજ્વલના પિતા એચ. ડી. રેવન્નાની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.