જળગાવમાં બનેલી આ ઘટનામાં કોચનો કાચ ફૂટી ગયો: થોડી વાર માટે મુસાફરો ગભરાઈ ગયા હતા
પથ્થરમારો કરવાથી તાપ્તિ ગંગા ટ્રેનના બી-૬ કોચનો કાચ તૂટી ગયો હતો.
પ્રયાગરાજમાં આજથી શરૂ થયેલા મહાકુંભ મેળામાં સામેલ થવા માટે ગઈ કાલે બપોરે સુરતના ઉધના રેલવે સ્ટેશનથી નીકળેલી તાપ્તિ ગંગા ટ્રેન પર મહારાષ્ટ્રના જળગાવ પાસે અસામાજિક તત્ત્વોએ પથ્થરમારો કરતાં ઍર-કન્ડિશન્ડ કોચનો કાચ તૂટી ગયો હતો. આ હુમલાથી પરિવાર સાથે પ્રયાગરાજ જઈ રહેલા યાત્રાળુઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા લોકોએ રેલવેને આ ઘટનાની જાણ કરવાની સાથે આ કાચ તૂટી ગયો હોવાનો વિડિયો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો, જે બાદમાં વાઇરલ થયો હતો. વિડિયોમાં આ ઘટનાથી બધા ગભરાઈ ગયા છે એટલે રેલવેના પ્રધાન સહિતના લોકો યાત્રાળુઓની સુરક્ષા પર ધ્યાન આપે એવું બોલતા એક પ્રવાસી સંભળાય છે.
ઉધના રેલવે સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ પ્રયાગરાજમાં આવતી કાલે એટલે કે ૧૪ જાન્યુઆરીએ મકરસંક્રાન્તે મહાકુંભનું પહેલું શાહીસ્નાન છે. આથી સુરતથી મોટી સંખ્યામાં લોકો તાપ્તિ ગંગા ટ્રેનમાં મહાકુંભ જવા નીકળ્યા હતા. ટ્રેન જળગાવ પહોંચ્યા બાદ રવાના થઈ હતી ત્યારે ટ્રેનના બી-૬ નંબરના ઍર-કન્ડિશન્ડ કોચ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેને લીધે કાચ તૂટી ગયો હતો. ત્યાર બાદ ટ્રેનને એના શેડ્યુલ મુજબ આગળ લઈ જવામાં આવી હતી. આ પથ્થર કોણે માર્યો એની રેલવે પોલીસ તપાસ કરી રહી છે.